પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

વધારે સારું.” એમ કહીને પાછો તે ચન્દનદાસને કહેવા લાગ્યો કે “ચન્દનદાસ ! તમે આનંદથી તમારે ઘેર જાઓ. પરંતુ પાટલિપુત્ર છોડીને બીજે ક્યાંય જશો નહિ. તમારી ક્યારે આવશ્યકતા પડશે, એનો નિયમ નથી. માટે અમે જ્યારે તમને બોલાવીએ, ત્યારે અમારે ત્યાં આવવાની કૃપા કરજો.”

એટલું કહી રાક્ષસ પ્રતિ જરા પણ ન જોતાં ભાગુરાયણને લઈને ચન્દ્રગુપ્ત ત્યાંથી ચાલ્યો ગયો. રાક્ષસપર નજર રાખનારા બીજા મનુષ્યો તો હતા જ. ચન્દ્રગુપ્તના જવા પછી ચાંડાલોએ ચન્દનદાસને છોડી મૂક્યો. છૂટતાં જ તે રાક્ષસ પાસે આવી તેનાં ચરણોમાં પડીને તેને કહેવા લાગ્યો કે, “આજે આપ અહીં પધાર્યા, તેથી જ મારો જીવ ઉગર્યો નહિ તો આજે હું ખરેખર જ નિર્વાણપદે પહોંચી ગયો હોત. પાછળથી શો હાહાકાર થવાનો છે, એ વિશે હું સર્વથા અજાણ હતો, અને હું એવો મૂર્ખ કે, આપે મારા ઘરમાંથી ભોંયરું કાઢવાની વ્યવસ્થા શામાટે કરેલી છે અને મને બોલાવીને આજ્ઞા આપવાને બદલે માત્ર પત્રથી જ કાર્ય શામાટે ચલાવ્યું છે? ઇત્યાદિ પ્રશ્નને પૂછવાને પણ આપ પાસે આવ્યો નહિ. હવે કૃપા કરીને આપ મારે ઘેર ચાલો. આપનાં પત્ની આપના માટે ઘણી જ ચિંતા કર્યા કરે છે, તેમને પણ હું ત્યાં તેડી લાવીશ.” રાક્ષસે ચન્દનદાસનું એ ભાષણ ધ્યાનથી સાંભળી લીધું. એથી રાક્ષસનું હૃદય ઘણું જ દ્રવી ગયું; છતાં પણ એના બોલવામાં કાંઈ પણ બનાવટ હોય, એમ સ્પષ્ટ દેખાયું. પરંતુ ચન્દનદાસ અને રાક્ષસનો પરસ્પર એટલો બધો ગાઢ સ્નેહસંબંધ હતો, કે ચન્દનદાસ પણ ચાણક્ય સાથે મળી ગયો હશે અને એ પણ પોતાને ફસાવવાનો પ્રયત્ન કરતો હશે, એવી શંકા માત્ર પણ રાક્ષસના મનમાં આવી નહિ, “હમણા જ એને કાંઈ પણ પૂછીશ, તો કદાચિત્ એ જાગૃત થશે; માટે એની સાથે એને ઘેર જઇને સાધારણ વાતચિત કરતાં કરતાં જે રહસ્ય હશે, તે જાણી લેવાશે.” એવો તેણે વિચાર કર્યો અને તેની સાથે તે ચાલતો થયો.

રાક્ષસના મનને એવો હવે સોળેસોળ આના નિશ્ચય થઈ ગયો કે, “આ દુષ્ટોએ જો કે આટલો બધો અત્યાચાર કર્યો છે, તો પણ મને કારાગૃહમાં નાંખવાની કે ન્યાયના નિયમથી શિક્ષા કરવાની એઓ હિંમત કરી શકતા નથી, ત્યારે હવે ખરેખરી બીના કેવી રીતે બની અને કયા કયા મનુષ્યોને પોતાના પ્રપંચજાળમાં ફસાવીને, એમણે પોતાનો દાવ સાધ્યો છે, એની બને તેટલી માહિતી મેળવવી જોઇએ. લોકોના મનમાં હાલ મારા વિશે ઘણા જ ખરાબ વિચારો બંધાયેલા છે, માટે અત્યારે લોકોને ત્યાં મારે વિશેષ જવું આવવું સારું નથી અને વળી મારી સઘળી હીલચાલો પર