પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૧
રાક્ષસનો નિશ્ચય.

ચાણક્યની દૃષ્ટિ તો હોવાની જ, છતાં પણ મારી અસાવધતાનો લાભ લઈને એમણે આટલાં બધાં કાવત્રાં નિર્વિઘ્ને પાર પાડ્યા, તેનો ભેદ તો ગમે તેમ કરીને પણ જાણવો જ જોઈએ. હા - ચન્દનદાસના ઘરમાં બેઠાં બેઠાં એ કાર્ય કદાચિત્ સાધી શકાશે.” એ ધારણાથી તે પોતાના મિત્ર ચન્દનદાસને ત્યાં ગયો અને જતાં જ પોતાની ઇચ્છા પ્રમાણે કાર્યના આરંભની મનમાં યેાજના કરવા લાગ્યો.

પ્રથમ જ તેના મનમાં જે વિચારવા જેવો પ્રશ્ન આવ્યો, તે એ હતો કે, “આ આટલું મોટું કારસ્થાન કોઈના પણ જાણવામાં ન આવતાં સિદ્ધ કેમ થયું? જો એમ જ માનીએ કે, અંદરના માણસો ફૂટવાથી એમ થઈ શક્યું; તો એ ફૂટનારા કોને કોને ધારવા? પર્વતેશ્વરે દેખાડેલાં પત્રોપર મારી મુદ્રા તો ખરેખરી જ હતી. અર્થાત્ મારી મુદ્રા સાચવનાર હિરણ્યગુપ્ત - કે જેને હું ઘણો જ વિશ્વાસનીય ધારતો હતો, તે જ બહુધા ફૂટેલો હોવો જોઇએ; નહિ તો બીજા કોઈના હાથમાં મારી મુદ્રા જાય, એ શક્ય જ નથી. કદાચિત હિરણ્યગુપ્ત પોતે ફૂટ્યો નહિ હોય, તો તેની અસાવધતાથી મુદ્રા ક્યાંક આડી અવળી થઈ ગઈ હશે અને તે બીજા કોઈને હાથ ચડી ગઈ હશે. છતાં પણ આ કારસ્થાન રચનારે એ મુદ્રા મેળવવા માટે પ્રયત્ન તો કરેલો હોવો જ જોઈએ; કારણ કે, ખેાટાં પત્રો લખવા માટેનું મુખ્ય સાધન તો મુદ્રા જ છે અને એવાં ખોટાં પત્ર દ્વારા તે પર્વતેશ્વરને અહીં બોલાવવાનું પોતાનું કાર્ય તેણે સાધેલું છે. માટે હિરણ્યગુપ્તની અસાવધતાથી એ મુદ્રા ક્યાંક પડી ગઈ હોય અને તે બીજાને હાથ ચડી ગઈ હોય, એમ બનવું પણ અશક્ય છે. બનાવટી પત્રો કરવાનો વિચાર થતાં જ મુદ્રા મેળવવા માટે એ દુષ્ટોએ ખાસ પ્રયત્ન કરેલો હોવો જોઈએ; અને તે પ્રયત્ન એ કે, હિરણ્યગુપ્તને ફોડ્યો હોય અથવા તો બીજા કોઇની મારફતે એ મુદ્રાની ચોરી કરાવી હોય, એ જ હોવો જોઈએ. પરંતુ મુદ્રા ચોરાયલી પણ હોવી જોઈએ નહિ. કારણ કે, મને જ્યારે જ્યારે તેની અગત્ય પડી હતી, ત્યારે ત્યારે તે હિરણ્યગુપ્ત પાસે જ હતી. બસ એ દુષ્ટોના કાર્ય માટે જ માત્ર ચોરીથી એનો ઉપયોગ પણ થએલો હોવો જોઈએ અને એ ઉપયોગ હિરણ્યગુપ્ત દ્વારા જ થએલો હોવો જોઈએ. હિરણ્યગુપ્તને એમણે પોતાનું શસ્ત્ર બનાવ્યું હોય, તો તેમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી જ અને હિરણ્યગુપ્તને ફોડ્યો, એટલે મારી એક આંખ જ ફોડી નાંખી, એમ કહી શકાય – એટલે હું આંધળો થયો, તેમાં પણ કાંઈ આશ્ચર્ય જેવું નથી, પણ હિરણ્યગુપ્ત કેવી રીતે ફૂટ્યો હશે? દ્રવ્યની આશાથી ? એ તો શક્ય નથી લાગતું. ત્યારે