પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૩
ચાણક્યનો વિચાર.

સાહજિક એવો જ નિશ્ચય થઈ ગયો છે કે, નન્દના નાશનું મૂળ રાક્ષસ જ છે. પરંતુ લોકોનો એ નિશ્ચય ફેરવી નાંખવો, એ ઘણું જ સરળ કાર્ય છે. પર્વતેશ્વરને લુચ્ચો ઠરાવીને તેણે આ બધી વ્યવસ્થા પોતાના દૂતો દ્વારા જ કરેલી હતી અને હવે પોતાના ખરા સાથી પ્રપંચીઓનાં નામો છૂપાવીને વ્યર્થ રાક્ષસ જેવા એક પાપભીરુ અને સ્વામિનિષ્ઠ મનુષ્યનું તે નામ લે છે; એમાં સત્યતાનો લેશ માત્ર પણ અંશ નથી. તપાસ કરતાં ખરા અપરાધીઓ પકડાઈ આવ્યા છે અને તેમને યથાન્યાયશિક્ષા પણ સત્વર જ કરવામાં આવશે. આવો ઉદ્દઘોષ જો સર્વ નાગરિકોને સંભળાવી દેવામાં આવશે, તો તારાપરનો સમસ્ત લોકાપવાદ ક્ષણના અર્ધ ભાગમાં દૂર થઈ જશે. પરંતુ એ બધી વ્યવસ્થા જો તું અમને અનુકૂલ થાય, તો જ કરવામાં આવે, નહિ તો અમે તારાપરનો એ લોકાપવાદને વધારવાની જ યોજના કરીશું – એવી ધમકીઓ પણ રાક્ષસને આપી પણ તે બીતો જ નથી. તે તો પોતાના હઠને પકડીને જ બેસી રહેલો છે. તેના મિત્રના વધની ૫ણ તેને ભીતિ દેખાડવામાં આવી, પણ તેનું ફળ કાંઈએ થયું નહિ. મિત્રનો વધ થયો તો ચિન્તા નહિ, પરંતુ નન્દવંશનો ઘાત કરનારા એ નીચોની સેવા તો ન જ કરવી અને ચન્દ્રગુપ્તને મગધનો રાજા ન માનવો, એવી તો તે પ્રતિજ્ઞા કરીને બેઠો છે. શાબાશ ! રાક્ષસ ! શાબાશ!! તું જો કે મહાન્ નીતિનિપુણ તો નથી જ, પરંતુ સત્યનિષ્ઠા અને સન્નિષ્ઠા એ બન્નેનો તારા હૃદયમાં પૂર્ણતાથી નિવાસ હોય, એમ જોવામાં આવે છે. તારા દેખતાં જ તારો મિત્ર મરતો હોય અને તેની સ્ત્રી સતી થતી હોય, એવી સ્થિતિ હોવા છતાં પણ તું પોતાની સ્વામિનિષ્ઠાનો ત્યાગ ન કરે અને સ્વામિદ્રોહીની સેવાનો સ્વીકાર ન કરે, એ કાંઈ જેવી તેવી દૃઢતાનું ઉદાહરણ નથી. તારા સ્થાને જો કોઈ બીજો પુરુષ હોત, તો તે ક્યારનોએ પોતાના પક્ષને ત્યાગીને સામા પક્ષમાં મળી ગયો હોત, પરંતુ તારો એ ધર્મ નથી અને તે જાણીને જ મેં તને આ ચન્દ્રગુપ્તનો સચિવ બનાવવાની ઇચ્છા કરી છે. ભાગુરાયણને તારા વિરુદ્ધ ઉઠાડવા માટે તેની મહત્ત્વાકાંક્ષા જાગૃત કરી – તું અને રાક્ષસ સમાન પદવીના હોવા છતાં રાક્ષસને નન્દ શ્રેષ્ઠ માને ને તને તેની આગળ તુચ્છ ગણે, એનું શું કારણ? એમ વારંવાર ઉશ્કેરીને અને એક સેનાપતિનું કેટલું બધું મહત્ત્વ હોય છે, એનું તેને ભાન કરાવીને ભાગુરાયણને તો ફોડ્યો - તેના મનમાં મત્સરની ઉત્પત્તિ થવાથી તે તત્કાલ ફૂટ્યો. એટલે તેના જેવા અલ્પનિશ્ચયી મનુષ્યને પ્રધાનપદ આપવાથી લાભની શી આશા રાખી શકાય? તેનું મૂલ્ય એટલું જ. સચિવ તરીકેની સત્તા તો રાક્ષસના હાથમાં જ રહેવી જોઈએ. પરંતુ એ કાર્ય સિદ્ધ કેવી રીતે થાય? અત્યાર સુધીની બધી યુક્તિઓ