પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પોતાના દૂતકર્મને કેટલાક દિવસ લંબાવવાનો તેણે નિશ્ચય કર્યો. “જે કાર્ય કરવાને હું આવેલો છું, તેટલું જ કાર્ય કરીને જો હું પાછા ચાલ્યો જઇશ, તો ખરી સ્થિતિ શી છે, તે જાણવાનો કોઈ પણ માર્ગ રહેશે નહિ. ચન્દ્રગુપ્ત તો નિશ્ચિત એ જ ઉત્તર આપવાનો કે, તમને ગમે તેમ કરવાને તમે સ્વતંત્ર છો, અને એ જ ઉત્તર મારે ત્યાં પહોંચાડવાનું છે. જેણે આટલું મોટું કારસ્થાન રચીને તેને નિર્વિઘ્ન પાર પાડ્યું, તે ચન્દ્રગુપ્ત એકદમ નમી જાય કે દીનતાયુક્ત ઉત્તર આપે, એ સર્વથા અશક્ય છે. માટે જો તડાક ફડાક કાર્ય કરી નાંખીશ, તો સત્વર જ મારે પાટલિપુત્રમાંથી ચાલ્યું જવું પડશે,” એવા તેના મનમાં નાના પ્રકારના વિચારો આવ્યા. પરંતુ શાકલાયનને તો ત્યાં રહેવાનું હતું. તેથી ચન્દ્રગુપ્તની આજ્ઞા મેળવીને પાટલિપુત્રમાં રાજ-અતિથિઓને જે સ્થાને રાખવામાં આવતા હતા, તે સ્થાનમાં ઉતારો મેળવ્યા પછી થોડીવારે શાકલાયને ચન્દ્રગુપ્તને એમ જણાવ્યું કે, “પ્રવાસના પરિશ્રમથી મારું શરીર એટલું બધું અશક્ત બની ગયું છે કે, બે ચાર દિવસ તો ઊતારામાંથી હું બહાર પણ નીકળી શકીશ નહિ, માટે શીધ્રતાથી રાજસભામાં આવી મહારાજાના દર્શનનો લાભ લઈને મારાથી કાર્યકથન કરી શકાય તેમ નથી, એ માટે મને ક્ષમા કરવી. તબીયત સારી થતાં જ આપનાં ચરણોમાં સ્વામીનો સંદેશો નિર્દિષ્ટ કરીશ.”

એ સંદેશો આવતાં જ ચાણક્ય એના મર્મને તત્કાળ જાણી ગયો અને તેથી શાકલાયન સાથે આવેલા સર્વ મનુષ્યો પર સખત નજર રાખવાનો તેણે પોતાના જાસૂસોને એકદમ હુકમ આપી દીધો. એ હુકમમાં એમ જણાવેલું હતું કે, “એ મનુષ્યો સાંઝ સુધીમાં શું શું કરે છે, ક્યાં ક્યાં જાય છે, કોની સાથે વધારે બોલે ચાલે છે, એ સઘળા સમાચાર પ્રહર પ્રહરે મારીપાસે આવવા જોઇએ; અને પોતાપર આટલી બધી છૂપી નજર રાખવામાં આવે છે, એવી તેમને લેશમાત્ર પણ શંકા આવવી જોઇએ નહિ, બધું કાર્ય ઘણું જ ગુપ્ત રીતે અને ઘણી જ સંભાળથી થવું જોઇએ. તેમના મનમાં એવો જ ભ્રમ રહેવો જોઇએ કે, જાણે આપણે બધા કાંઈ જાણતા જ નથી અને અસાવધ જ છીએ.” ગુપ્ત દૂતોએ તે પ્રમાણે પોતાનું કર્તવ્ય બજાવવા માંડ્યું.

શાકલાયનને પ્રથમ દિવસ કાંઈ પણ કાર્ય ન કરતાં કિંબહુના, રાજાએ તેની સેવા માટે આપેલા સેવકો સાથે પણ ભાષણ ન કરતાં માત્ર વિચારમાં જ વીતાડ્યો. તે આખા દિવસમાં પોતાના ઓરડામાંથી બહાર જ નીકળ્યો નહિ. ચાણક્ય તેના એ કપટને જાણી ગયો અને તેથી તેણે એક યુક્તિ