પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

વીતી જાય. પણ હવે એ કર્મકથાનો વારંવાર ઉચ્ચાર કરવાથી લાભ શો થવાનો છે? સઘળા નંદો મરાયા અને તે પોતે પણ મરી ગઈ. હવે તો નવું રાજ્ય થએલું છે, એટલે નવા રાજાને જ માન આપવું જોઈએ.” એમ કહીને તે સંવાહકે એક દીર્ધ ઉષ્ણ નિ:શ્વાસ નાંખ્યો, અને શાકલાયનના પગ દાબતાં દાબતાં સર્વથા શોકગ્રસ્ત થયા પ્રમાણે મુખમુદ્રા કરીને તે સ્વસ્થ થઈ ગયો. જાણે તેને વીતેલી બધી વાતોનું એકાએક સ્મરણ થઈ આવતાં તે ઘણો જ સંતપ્ત થઈ ગયો હોયની ! એવો ભાવ તેણે દેખાડ્યો એટલે “ હવે એને કેટલાક પ્રશ્નો પૂછીને અહીંની વસ્તુસ્થિતિ શી છે, લોકોના મનના ભાવો કેવા છે અને નવા રાજાથી વિરુદ્ધ મત ધરાવનારા પ્રતિષ્ઠિત મનુષ્યો કોણ કોણ છે, ઇત્યાદિ કેટલીક માહિતી જો બની શકે તો એના મુખથી મેળવવી, ” એવો વિચાર કરીને શાકલાયને તેને પૂછ્યું કે, “ તમારું નામ શું, સંમર્દક ?”

“હા સ્વામિન, મને સંમર્દકના નામથી જ લોકો ઓળખે છે અને આ અમારો સંવાહકનો વ્યવસાય વંશપરંપરાનો છે.” સંવાહકે ઉત્તર આપ્યું.

“ઠીક ઠીક. તેથી જ તમારા હાથમાં આટલી બધી કોમળતા અને મૃદુતા જોવામાં આવે છે. હજી તો આપના સંમર્દનના આરંભને ઘટિકાના ચતુર્થાંશ જેટલો પણ સમય થયો નથી, એટલામાં તો મારા શરીરમાં કેટલો બધો આરામ થએલો દેખાય છે. વાહ ! રાજગૃહોમાં તો આવા જ ગુણવાન મનુષ્ય હોવા જોઈએ. ધનાનન્દ રાજાને તમારામાં સારો ભાવ હતો, એમ તમે કહો છો, તો તેથી સ્પષ્ટ અનુમાન કરી શકાય છે કે, તે રાજા ઘણો જ ગુણજ્ઞ અને મર્મજ્ઞ હોવો જોઈએ.” શાકલાયને પ્રશંસા કરી.

“હોવા જોઈએ, એમ શામાટે કહો છો ? તેના જેવો ગુણોનો જાણનાર અને ગુણોનું મૂલ્ય આંકનાર બીજો કોઈ હતો જ નહિ, એમ કહેવામાં કશી પણ અતિશયોક્તિ નથી. તેના જેવો બીજો કોઈ થનાર પણ નથી.” સંવાહકે આગળ વધવા માંડ્યું.

“બહુ સારું, પણ સંમર્દક ! એ એટલો બધો ગુણગ્રાહક રાજા હોવા છતાં રાજમાર્ગના મધ્યમાં જ તેની હત્યા કરવામાં આવી, એ બની કેમ શક્યું વારુ ? શું બધા લોકો તે વેળાએ નિદ્રાવશ થઈ ગએલા હતા ! અહીં લોકોનું ગમે તેમ માનવું હોય, પણ બહાર તો એવી જ અફવા ઉડેલી છે કે, લોકો જ ધનાનન્દ મહારાજથી કંટાળી ગયા હતા અને