પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૩
સંવાહક.

તેથી જ કાર્યસાધુ પુરુષો પોતાના પ્રપંચમાં સહજ રીતે ફાવી ગયા.” શાકલાયને પોતાનો હેતુ કાઢવાનો આરંભ કર્યો.

“મહારાજ ! આપ ભૂલ કરો છો. એ રાજહત્યા માટે તો અદ્યાપિ લોકોના મનમાં સંતાપ થયા કરે છે. જો તે એમ જ બોલતો સંભળાય છે કે, જે કોઈ શાસ્તા હવે ઉત્પન્ન થાય અને તે જો આ રાજઘાતકોને શાસન કરે, તો તેની ઘણી જ આવશ્યકતા છે. લોકોના મનમાં તો ખરેખર અસહ્ય સંતાપ થએલો છે, પરંતુ તેમનાથી શું થઈ શકે વારુ ? જેના હાથમાં સત્તા, તેની બધી મત્તા. એવો જ અહીં સઘળો પ્રકાર થએલો છે. ભગવાન ! હવે તો તું જ આ પાટલિપુત્રનો સંરક્ષક છે.” સંવાહકે વિસ્તાર કર્યો.

“ત્યારે નવા સત્તાધારકોથી લોકો વિરુદ્ધ જ છે કેમ?” શાકલાયને પૂછ્યું.

“વિરુદ્ધ એટલે ? સર્વથા વિરુદ્ધ – આપને આશ્ચર્ય થશે, એટલા બધા વિરુદ્ધ છે. પણ સેનાપતિ ભાગુરાયણ ચન્દ્રગુપ્તના પક્ષમાં છે, એટલે લોકોનો ઉપાય નથી.” સંમર્દકે એક એક પગલું આગળ ભરવા માંડ્યું.

“જો લોકોની ઉપાય કરવા માટેની જ ભાવના હોય, તો બીજા કોઈ રાજાનું સૈન્ય સહાયતા માટે મેળવી ન શકાય કે શું?” શાકલાયને પ્રશ્ન કર્યો.

“બીજો કોણ સહાયતા આપે વારુ ? અને જો કોઈ સહાયતા આપે, તો તેના મનમાં પણ રાજ્યનો લોભ તો હોવાનો જ સર્વથા નિરપેક્ષ બુદ્ધિથી સહાયતા કરનાર કોઈ મળે, એ અશક્ય છે.” સંમર્દકે યથાયોગ્ય ઉત્તર આપ્યું.

“ભાઈ ! જો નિઃસ્વાર્થ બુદ્ધિથી કોઈ સહાયતા કરવાને ન આવે, તો પોતાને જોઈએ તેટલી સહાયતા લઈને પછી તેને નમસ્કાર કરવા,” શાકલાયને ઉપાય બતાવ્યો.

“હા, એ એક ઉપાય છે ખરો, પણ એવી રીતે સહાયતા આપવાને નવરું કોણ બેઠું હશે કે જે કાંઈ પણ જાતિના લાભની આશા વિના વૃથા શ્રમમાં પડે!” સંવાહકે પાછું તેના મતનું ખંડન કરી નાંખ્યું.

“એ બધું ખરું; પણ સંવાહક ! તમારી જાતિ તો મહા ચતુર ગણાય છે. પક્ષીઓમાં કાગડો અને મનુષ્યોમાં સંવાહક ચતુર મનાય છે. તેથી જ તને પૂછું છું કે, એમ ધારો કે, આ મગધદેશના લોકોની પ્રાર્થનાથી નહિ, પણ પોતાની મેળે જ જો કોઈ તમને આ નન્દવંશના ઘાતકોના જુલમમાંથી છોડવવાને અહીં આવે, તો તમે તેને મદદ કરો ખરા કે?” શાકલાયને ગર્ભિત હેતુથી પૂછવા માંડ્યું.