પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


“સ્વામિન્ ! અમે ગરીબ માણસો શું મદદ કરી શકીએ વારુ ? પણ તમારી એ વાતનો બીજા લોકોમાં પ્રસાર કરે, એવા કોઈ મનુષ્યને તમે શોધી કાઢો, તો લોકોનું વલણ કાંઈક ફરે ખરું. લોકો એકલા બિચારા શું કરી શકે? તેમનો તો ગાડરિયો પ્રવાહ જ હોય છે – ચાર પ્રતિષ્ઠિત મનુષ્યોએ જે વાત કબૂલ કરી, તે વાતને તેઓ પણ નિઃશંક માનવાના, મહારાજ !” સંવાહકે ઉત્તર દીધું.

“સંવાહક ! તમે ઘણા જ ચતુર હો, એમ દેખાય છે. તમે માત્ર પોતાના આ સંવાહનકર્મમાં જ નહિ, કિન્તુ રાજનીતિમાં પણ મહાકુશળ છો,” શાકલાયને કહ્યું.

“હું કુશળ શાનો મહારાજ ? હું જો એવો કુશળ હોત, તો ધનાનન્દ રાજાનો અને તેના વંશનો આવી રીતે આકસ્મિક ઘાત કેમ થવા દેત ? એ તો અમારી જાતિ બહુબોલકણી હોવાથી જ આપને એમ જણાય છે.” સંવાહકે નમ્ર ઉત્તર દીધું.

“અહાહા ! તારા આ સુંદર સંમર્દનથી મારું શરીર કેવું શ્રમહીન થઈ ગયું છે ! નસેનસ છૂટી થઈ ગઈ શાબાશ ! લે આ ઇનામ.” એમ કહીને શાકલાયને તેને એક સિંહમુખી સુવર્ણવલય આપ્યું.

એ સુવર્ણવલયને જોતાં જ સંવાહકનાં નેત્રો વિસ્તૃત થયાં. તેના હૃદયમાં ઘણો જ આનન્દ થયો. માત્ર મુખથી “નહિ-નહિ.” નો તેણે ઉચ્ચાર કર્યો અને તે કડું પોતાના હાથમાં પહેરી લીધું. પોતાના આપેલા ઈનામથી સંમર્દકને સંતોષ થયો, એ જોઈને શાકલાયનના મનનું પણ સમાધાન થયું.

ત્યાર પછી પાછો તે સંવાહકને કહેવા લાગ્યો કે, “ સંવાહક ! અહીંના લોકોનો પક્ષપાત કરી જો કોઈ અહીં લડવાને આવે, તો તેને સારી સહાયતા આપી શકે, એવો કોઈ પુરુષ અહીં છે ખરો કે ? કાંઈ પણ સંકોચ કરીશ નહિ, જે હોય તે ખુલ્લી રીતે મને જણાવજે. તારી આ વાત બીજા કોઈના પણ કાને જવા પામશે નહિ. હાલમાં તમારા માગધી જનોના મનની શી સ્થિતિ છે, તે મારે જાણવાની છે ?” શાકલાયને પોતાના હેતુનો સ્પષ્ટ નિર્દેશ કર્યો.

“મહારાજ ! કૃપા કરો. હાલનો વખત એવો છે કે, ભીંતોને પણ કાન થએલા છે. કોણ સાધારણ પ્રજાજન છે અને કોણ ગુપ્ત રાજદૂત છે, એ પણ જાણી નથી શકાતું; એટલી બધી ગુપ્ત રાજદૂતોની પુષ્પપુરીમાં વિપુલતા થએલી છે. મારા મસ્તિષ્કમાં તો એવો જ ભ્રમ થઈ ગયો છે