પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૭
સંવાહક.


બાધવિના પ્રવેશ થતો હોવાથી તેમના દ્વારા કોઈ પણ ગુપ્ત સમાચારો મેળવી શકાવાનો વિશેષ સંભવ હતો. એટલા માટે જ શાકલાયને એ સંવાહકની પોતાના કાર્યમાં સહાયતા લેવાનો વિચાર નિશ્ચિત કર્યો હતો.

ઉપર લખ્યા પ્રમાણે શાકલાયન અને સંવાહકનું પરસ્પર સંભાષણ થયા પછી બીજી એક વાત વિશે શાકલાયને તેની સાથે ભાષણ ચલાવ્યું. શાકલાયન કરતાં પણ તે સંવાહક વધારે વાક્ચતુર હોવાથી સર્વ પ્રકારના ભાષણમાં તેણે પોતાનો જ પ્રભાવ પાડયો. ઉપરાંત “મને આ ચાણક્ય અને ચન્દ્રગુપ્ત આદિનાં કૃત્યો જરા પણ ગમતાં નથી મારી ભગવાન્ બુદ્ધના અહિંસા ધર્મમાં વધારે શ્રદ્ધા છે. નન્દવંશનો કેાઈ પણ પુરુષ હવે સિંહાસનરૂઢ નહિ જ થઈ શકે, એ વિષયનો નિશ્ચય થશે, તો પછી મારે તો બુદ્ધભિક્ષુ થવાનો જ મનોભાવ છે. મુરાદેવીની દાસી વૃન્દમાલા તો બુદ્ધભિક્ષુકા થઈ ચૂકી છે. તેણે યોગ લીધો છે અને તેનું અનુકરણ કરવાની મારી પણ ઈચ્છા છે.” એવો પોતાનો અભિપ્રાય તેણે શાકલાયનને વિના પૂછે જ જણાવી દીધો.

શાકલાયને સંવાહકને જવાની રજા આપી, પણ એમ કહીને કે, “હાલ તરત તારે અમારા આ ઉતારામાંથી બહાર જવું નહિ; કારણ કે હમણાં જ મને તારી જરૂર પડશે. તારી સહાયતાથી જો અમને, વિજયની પ્રાપ્તિ થશે, તો તેથી તારું પણ કલ્યાણ થશે.” એમ કહીને તેણે પોતાને ત્યાં રહેવા માટેની સંવાહકને સર્વ જાતિની યોગ્ય વ્યવસ્થા કરી આપી અને ત્યારપછી એકાંતમાં પોતાના કરવા ધારેલા કાર્યવિશેના અનેક-વિધ વિચારોમાં તે લીન થઈ ગયો.

“રાક્ષસને મળવું કયે સ્થાને? રાક્ષસને અહીં બોલાવવો, એ તો અનિષ્ટ જ થવાનું; અને હું પોતે ચાલી ચલાવીને તેને ત્યાં જાઉં, તો તે પણ એમ જ. માટે હવે બીજો એને મળવાનો શો ઉપાય કરવો ? ઉપાય તો કદાચિત્ મળશે, પણ તેમાં વિલંબ થવાનો સંભવ છે: અને સલૂક્ષસ તથા મલયકેતુએ મારું કાર્ય આટોપીને મને જલ્દી પાછા ફરવાની વારંવાર સૂચના કરેલી છે; માટે વિનાકારણ ઉચ્છંખલતા કરીને વધારે દિવસો પણ વીતાડી શકાય તેમ નથી. વળી માર્ગમાં થએલા શ્રમથી અશક્ત હોવાનું નિમિત્ત પણ કેટલા દિવસ ચાલવાનું? એટલે કે કોઈ પણ રીતે વધારે રોકાઈ શકાય, તેમ પણ નથી–માટે તડને ફડ કરી નાંખવું. જે કરવાનું હોય તે સંવાહકની સહાયતાથી વેશ બદલીને તે છદ્મ વેશમાં જ રાક્ષસને મળવું અને જે પૂછવાનું હોય તે પૂછવું.”