પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

લોકો છે, અને અદ્યાપિ તેમની આ૫નામાં દૃઢ શ્રદ્ધા રહેલી છે.” શાકલાયને તેની પ્રશંસા કરી.

“ત્યારે અદ્યાપિ મગધદેશમાં કેટલાક વિચારશીલ લોકો છે ખરાં કે ? સારું સારું, પણ આપનો શો વૃત્તાંત છે, તે સત્વર જણાવી દ્યો.” રાક્ષસે કાંઈક આનંદના ભાવથી એ શબ્દો ઉચ્ચાર્યા.

“એ કાવત્રામાં આપનો કાંઈ પણ સંબંધ ન હોવા છતાં વિના કારણ લોકોએ આપના વિશે જે આ અપવાદ ઉત્પન્ન કરેલો છે, તે માટે આપના હૃદયમાં કોપનો અગ્નિ તો પ્રજળેલો હોવો જ જોઈએ અને એ અપવાદને ટાળવા માટે આપ ઉત્સુક હશો જ એમ ધારીને જ મેં અહીં આવવાનું સાહસ કરેલું છે.” શાકલાયને મંગળાચરણ કર્યું.

“એક વાત મનમાં હોવી અને તે હાથે કરી બતાવવી, એમાં કેટલું બધું અંતર રહેલું છે, એ તો આપ જાણતા જ હશો, કેમ નહિ?” રાક્ષસે ગર્ભિત પ્રશ્ન કર્યો.

“આવાં વચનો સાધારણ મનુષ્યોનાં હોય છે, આપના જેવા અસાધારણ પુરુષો જો ધારે, તો તેમનાથી ન થઈ શકે એવું કોઈ કાર્ય જ નથી.” શાકલાયને ઉત્તર દીધું.

“હું અસાધારણ શાનો ? હું તો સાધારણથી પણ સાધારણ છું, અને તેનું આ કાવત્રુ નિર્વિઘ્ને પાર પડ્યું, એજ પાકો પૂરાવો છે. પણ આપ અહીં ખાસ શા હેતુથી આવ્યા છો, એ કાંઈ હજી જણાયું નહિ. જો પ્રત્યવાય ન હોય તો તે કહી સંભળાવવાની કૃપા કરશો ?” રાક્ષસે પાછું દબાણ કર્યું.

“હું ચન્દ્રગુપ્તને મલયકેતુનો સંદેશો પહોંચાડવાને આવ્યો છું. તે સંદેશો એવો છે કે, મારા પિતાને એકદમ છોડી દઈને એક કરોડ હોન ખંડણી આપવી અને નહિ તો યુદ્ધ માટે તૈયાર થવું.” શાકલાયને હેતુ કહી સંભળાવ્યો.

“આ૫ આ શું કહો છો? શું આ સંદેશો મલયકેતુએ ચન્દ્રગુપ્તને કહાવ્યો છે?” રાક્ષસે આશ્ચર્યના ભાવથી એ પ્રશ્ન પૂછ્યો.

“હા – તેણે જ કહાવ્યો છે. અને એ સંદેશો ચન્દ્રગુપ્તને રૂબરૂમાં કહેવા માટે મને દૂત તરીકે મોકલાવ્યો છે. કેમ આપને એથી આશ્ચર્ય કેમ થાય છે વારુ ?” શાકલાયને પણ તેટલા જ આશ્ચર્યથી એ વચનો ઉચ્ચાર્યા.

“પતંગિયું દીપજયોતિપર ઝાપટ મારવાની કોશીશ કરે, એ જોઈને કોના મનમાં આશ્ચર્ય ન થાય વારુ?” રાક્ષસે પ્રમાણ આપ્યું.