“મલયકેતુને આપ શલભની ઉપમા આપો છો ખરા, પણ તે એવા
અવિચારી નથી.” શાકલાયને પોતાના રાજાની મહત્તા દર્શાવી.
“જો તે અવિચારી ન હોત, તો પોતાના એકલાના બળપર જ આધાર રાખીને તેણે ચન્દ્રગુપ્તને આવો સંદેશો કહેવડાવ્યો ન હોત. જો તેને બીજા કોઈ પણ બલાઢ્ય રાજ્યની સહાયતા મળશે તો જ કાર્ય કાંઈક શક્ય થશે.” રાક્ષસે પોતાના અનુભવનું દર્શન કરાવ્યું.
“તેવી સહાયતા મેળવવામાટે તો હું આપને ત્યાં આવ્યો છું. આપની સહાયતા હશે, તો બધું કાર્ય યથાર્થ પાર પડી જશે.” શાકલાયન ગળે પડ્યો.
“હું શી સહાયતા આપી શકું તેમ છે?” રાક્ષસે પૂછ્યું.
“જેવી જોઈએ તેવી સહાયતા કરી શકશો. જો કે લોકોનો અભિપ્રાય આટલો બધો આપનાથી વિરુદ્ધ છે, તો પણ જે આપ કરી શકશો, તે બીજાથી થવાનું નથી.”
"કદાચિત્ એમ ધારો. પણ શાકલાયનશર્મન્! મલયકેતુની પૂઠે બીજો કોણ છે વારુ ?” રાક્ષસે પ્રશ્નોમાં આગળ વધવા માંડ્યું.
“બીજો કોણ હોય?” શાકલાયને રાક્ષસના મુખને આશ્ચર્યથી જોતાં કહ્યું.
“ધ્યાન રાખો. જો આપને વિશ્વાસ હોય, તો વિશ્વાસપૂર્વક જ બોલો. મલયકેતુને બીજા કોઈપણ રાજાની સહાયતા હોવા વિના તે મગધદેશપર ચઢાઈ કરવાનો વિચાર કરે, એ શક્ય જ નથી; અને જેની સહાયતાથી એ કાર્ય શક્ય થઈ શકે એમ છે, તેવો સહાયક એક મ્લેચ્છ ક્ષત્રપ સલુક્ષસ જ છે. કહો - તેણે જ સહાયતા કરવાનું માથે લીધું છે ને?” રાક્ષસે પોતાની દીર્ધદૃષ્ટિનો પરિચય કરાવ્યો.
હવે વધારે હા ના કરવાનું વ્યર્થ જાણીને શાકલાયને ત્વરિત કહી દીધું. કે “હા. આપે જે અનુમાન કર્યું, તે જ વાત ખરી છે. જેવી રીતે શલૂક્ષસને તેની બહારથી સહાયતા મળી છે, તેવી જ રીતે અંદરખાનેથી આપે સહાયતા કરવાની છે; એટલી જ મારી આપનાં ચરણોમાં નમ્ર પ્રાર્થના છે. હાલમાં જો કે ઘણા લોકો આપને અનુકૂલ નથી, તો પણ સત્વર જ તે લોકો અનુકૂલ થઈ જશે, એવી તેમની સ્થિતિ જણાય છે. આપ જો અમારા સહાયક થશો તો આપના પણ કેટલાક હેતુ સિદ્ધ થવાનો સંભવ છે. ચાણક્ય અને ચન્દ્રગુપ્ત પાસેથી વૈરનો બદલો વાળી શકાશે, તેમ જ