પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

મલયકેતુને પણ જો તેમનો પરાજય થયો, તો પોતાના બાપનું વૈર વાળવાનો પ્રસંગ મળશે.........”

“અને યવન ક્ષત્રપ સલૂક્ષસ નિકત્તરને શો લાભ થશે ?” રાક્ષસે કપાળમાં કરચલીઓ ચઢાવી માથું ખજવાળી અને શાકલાયન પ્રતિ ચમત્કારિક રીતે દૃષ્ટિપાત કરીને પૂછ્યું. એ સવાલ મોઢામાંથી કાઢતી વેળાએ તેનો સ્વર પણ કાંઈક ચમત્કારિક થઈ ગયો હતો. રાક્ષસનું એ ભાષણ તે વ્યાજબી ભાષણ હતું, એ શાકલાયન તત્કાળ પામી ગયો અને તેથી તે કેટલીકવાર સુધી સ્તબ્ધ બની, મૂક મુખે કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના બેસી રહ્યો.

એટલે રાક્ષસે પુનઃ તેને સંબોધીને કહ્યું કે, “કેમ મહારાજ! આપ કાંઈ પણ બોલતા કેમ નથી? સલૂક્ષસ નિકત્તર આજે મલયકેતુને જે આટલી બધી સહાયતા કરવાને કમર કસીને તૈયાર થયો છે, તેમાં એનો પોતાનો પણ કાંઈ હેતુ હોવો જોઈએ ખરો કે નહિ? નહિ તે યુદ્ધમાં વ્યર્થ પરિશ્રમ સહેવાથી એને શો લાભ અને એને વચ્ચે આવવાનું કારણ શું ?”

“લાભ કશો પણ નહિ અને કારણ માત્ર મૈત્રીનું જ.”

એ ઉત્તરથી રાક્ષસ હસ્યો અને શાકલાયન પ્રતિ દૃષ્ટિ કરીને કહેવા લાગ્યો કે, “આપને મલયકેતુ અને સલૂક્ષસ બન્નેએ ચૂંટીને દૌત્યકર્મ માટે મોકલ્યા છે, તો આપનામાં અવશ્ય તેટલી બુદ્ધિ હોવી જ જોઈએ, એ સ્પષ્ટ છે. અર્થાત્ સલૂક્ષસનો એમાં કાંઈ પણ લાભ નથી, એ વાતને આપ કેમ માની શકો છો ? મારી તો એવી જ ધારણા છે કે, મનમાં તો આપ એ વાતને સત્ય નહિ જ માનતા હો - માટે આપનું એ ઉત્તર વ્યર્થ છે. સલૂક્ષસ મહા મહત્ત્વાકાંક્ષી છે - અર્થાત્ મગધદેશને જિતી લેવો, એ જ તેની ઇચ્છા છે. માટે જો તે તમને સહાયતા કરવાને તૈયાર થયો હોય, તો તેમાં નવાઈ જેવું કાંઈ પણ નથી.”

“જો કદાચિત્ એમ હોય, તો પણ શું થયું ?” શાકલાયને કહ્યું.

“શું થયું? અરે થયું તો બહુએ. વળી શું થયું, એમ પૂછો છો ?” રાક્ષસે તેને કઠોરતાથી ઉત્તર આપ્યું. અને તેને તે કઠોર દૃષ્ટિથી જોવા લાગ્યો. તે વળી પણ તેને કહેવા લાગ્યો, “અરે એ યવનોના મનમાં સમસ્ત આર્યાવર્ત અને સકળ આર્યોનાં રાજ્યોને પોતાની સત્તામાં લઈ લેવાની પરમ મહત્ત્વાકાંક્ષા છે, એ આપ કેમ ભૂલી જાઓ છે ? ઉપરાંત તેમણે પર્વતેશ્વરને એકવાર જિતીને પુનઃ તેને પોતાનો માંડલિક તરીકે રાજ્ય કરવા દીધું હતું કે? તેમ જ પર્વતેશ્વર પાસે પોતાના યવન અને મ્લેચ્છ સૈનિકો રાખ્યા હતા કે? એ લોકોનું