પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પણ સહાયતા કરવાનો નથી જ. મલયકેતુના પિતાની અને સલૂક્ષસની મગધદેશ પર ઘણા દિવસથી દૃષ્ટિ લાગી રહેલી છે, એ શું હું નથી જાણતો? જાણું છું જ. માટે મગધદેશ લેવાના કાર્યમાં હું તેમનો સહાયક કેવી રીતે થઈ શકું વારુ?” રાક્ષસે સ્પષ્ટતાથી પોતાના વિચારો વ્યક્ત કર્યા.

“ત્યારે આ રાજઘાતકોના અધિકારમાં જ મગધનું રાજ્ય રહે, એ જ આપને ઇષ્ટ દેખાય છે કે શું?” શાકલાયને માર્મિક પ્રશ્ન પૂછ્યો.

“એ ઈષ્ટ કેમ દેખાય વારુ ? પરંતુ યવનોના અથવા તો જેઓ યવનોના સેવકેા થએલા છે, તેમના હાથમાં મગધનું રાજ્ય જાય, તેના કરતાં તો એમના અધિકારમાં રાજ્ય હોય, એ સારું છે; એમ તો મને ભાસે છે ખરું, ” રાક્ષસે પાછો તેને તોડી પાડ્યો.

“અમાત્યરાજ ! આપ આવાં ઉત્તરો આપશો, એવી મેં કલ્પના પણ કરી નહોતી. મારા મનમાં તો એવી જ આશા હતી કે, આપને પ્રાર્થના કરતાં જ આપ તત્કાળ અમારી ઇચ્છાને સ્વીકારી અમને સહાયતા આપવાને તૈયાર થશો જ. પરંતુ આપનાં આ ઉત્તરોથી આપના વિચારો સર્વથા ભિન્ન હોય, એમ જ દેખાય છે.” શાકલાયન નિરાશ થયો.

“સર્વથા ભિન્ન દેખાય છે, એમ શા માટે કહે છે ? વિરુદ્ધ પક્ષે આપના વિચારો પણ મારા વિચારો પ્રમાણે જ હોવા જોઈએ, પણ આપે યવનોની સેવાનો સ્વીકાર કરેલો છે, તેથી જ આપના વિચારો ભિન્ન છે. નહિ તો આ આર્યાવર્ત યવનોના અધિકારમાં જાય તો સારું, એવી એક આર્ય જનની ભાવના હોઈ શકે જ નહિ.” રાક્ષસે તેને ગળું પકડીને દબાવ્યો – તે સામો ગળે પડ્યો.

“ખરું; પણ એ અધિકાર નન્દવંશના ઘાતકોના હાથમાં રહેતો સારું, એવી ભાવના નન્દવંશના એકનિષ્ઠ સેવકના મનમાં પણ કેમ હોઈ શકે, એનું જ મને આશ્ચર્ય થયા કરે છે.” શાકલાયને પાછો યુક્તિપૂર્વક જવાબ આપ્યો.

“રાક્ષસ જેવી રીતે નંદવંશનો સેવક છે, તેવી જ રીતે તે મગધદેશનો પણ સેવક છે, અને તેથી જ નંદવંશનો ઉચ્છેદ થયો, માટે મગધદેશનો પણ ઉચ્છેદ કરી નાંખવો, એવી તેની ઇચ્છા થતી નથી.” રાક્ષસે સ્વદેશાભિમાનપૂર્ણ ઉત્તર આપ્યું.

“મલયકેતુ મગધદેશને જિતી લે, તેમાં મગધદેશનો ઉચ્છેદ શો થયો? મલયકેતુ પણ આર્ય રાજા જ છે.” શાકલાયને પોતાને વિચાર પાછો દર્શાવ્યો.