પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

એ યવનોનો પૂર્ણ નાશ થાય અને તેઓ આ આર્યાવર્ત - પંજાબની સીમા છોડીને ચાલ્યા જાય, એ જ મારો મુખ્ય હેતુ છે અને એ હેતુને સિદ્ધ કરવા માટે જ હું મગધદેશમાં આવ્યો હતો. પણ ધનાનન્દે મારું અપમાન કર્યું, એટલે જેવી રીતે પ્રથમ તેના જ વંશવૃક્ષનો સમૂલ અને સશાખ ઉચ્છેદ કરવાની પ્રતિજ્ઞા લીધી અને તે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કોઈ પણ પ્રયત્ન અવશેષ રાખ્યો નહિ; બ્રાહ્મણ છતાં પણ ગમે તેવાં નૃશંસ કર્મ કરીને તે પ્રતિજ્ઞા પાર પાડી – તેવી જ રીતે અંતે નિરુપાય થઈને યવનોની સહાયતા લઈ મેં તારો પણ નાશ કર્યો હોત. મગધદેશ યવનોના અધિકારમાં જાય છે, એનો નિદાન તે વેળાએ તો મેં વિચાર ન જ કર્યો હોત. પરંતુ રાક્ષસ ! નન્દવંશમાં અને મગધદેશમાં તારો ખરો ભાવ સમાયલો છે અને તે ભાવના પ્રભાવથી મને પણ તે પરાજિત કર્યો છે. કાંઈ ચિન્તા નથી. કુટિલ યુક્તિથી તો કાંઈ વળવાનું નથી, ત્યારે હવે હું સરળતાથી જ તારે ત્યાં આવીશ અને તને વિનવીને ચન્દ્રગુપ્તનો સચિવ બનાવીશ, ચન્દ્રગુપ્તને તારા જેવા એકનિષ્ટ સચિવની ખરેખરી આવશ્યકતા છે. ભાગુરાયણ જેવા અનિશ્ચિત મનના મનુષ્યથી સચિવપદવી સંભાળી શકાય તેમ નથી.”

ચાણક્ય એ સર્વ બોલતી વેળાએ સિદ્ધાર્થક પાસે જ બેઠેલો છે, એ વાતને સર્વથા વિસરી ગયો હતો; નહિ તો આવા સ્પષ્ટ ભાવો તેણે પોતાના મુખથી પ્રદર્શિત કર્યા હોત કે નહિ, એની શંકા જ માની શકાય. ચાણક્યનું એ ભાષણ સાંભળીને તે ક્ષપણક કાંઈક સ્તબ્ધ થઈને બેસી રહ્યો; પરંતુ તેના મનમાં જે બોલવાની ઇચ્છા થઈ હતી, તે બોલ્યા વિના તેનાથી રહી શકાયું નહિ. એટલે તે ચાણક્યને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “આર્ય ચાણક્ય ! રાક્ષસને જ ચન્દ્રગુપ્તનો સચિવ બનાવવામાં એટલો બધો તે શો લાભ સમાયલો છે? ખરું પૂછો તો એના જેવો અંધ સચિવ બીજો એકે નથી. આપે આટલાં બધાં કારસ્થાનો તેનાં નેત્રો સમક્ષ રચ્યાં, છતાં, પણ તેની એને જરાય શંકા આવી નહિ, માટે એ પ્રધાનપદવીને તે શી રીતે સંભાળશે? આપ આટલા મોટા નીતિનિપુણ પુરુષ હોવા છતાં ચન્દ્રગુપ્તને બીજો સચિવ લાવી આપવાની આવશ્યકતા શી છે ? મારા મત પ્રમાણે તો રાક્ષસ જેવો સચિવપદ માટે અયોગ્ય પુરુષ બીજો કોઈ ભાગ્યે જ નીકળશે.”

સિદ્ધાર્થકના એ ભાષણ શ્રવણથી ચાણક્યને સ્વાભાવિક જ હસવું આવ્યું અને તે પ્રત્યુત્તર આપવાના હેતુથી કહેવા લાગ્યો કે, “સિદ્ધાર્થક ! તું અદ્યાપિ મારા મનના હેતુને જાણી શક્યો નહિ કે? મેં નન્દનો નાશ કરવાની અને ચન્દ્રગુપ્તને સિંહાસનારૂઢ કરવાની જે પ્રતિજ્ઞા લીધી હતી, તે પૂરી થઈ