પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૧
ચાણક્ય હાર્યો.

ચૂકી છે. હવે એ રાજ્ય ચિરસ્થાયી થાય, ત્યાં સૂધી મારાથી અહીં રહેવાય તેમ નથી. એ જ પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાટે એક બ્રાહ્મણને સર્વથા અનુચિત એવાં કેટલાંક નૃશંસ કર્મો પણ મેં કર્યા; એ પાપોના નિવારણ માટે હિમાલયની કોઈ કન્દરામાં બેસીને હું ઘનઘોર તપશ્ચર્યા કરીશ. એથી જ મારા પુનર્જન્મના કાંઈક ભલાની આશા છે; નહિ તો પાછો. હું આ ભવપાશમાં બંધાઈશ અને પુનઃ પુનઃ આવાં જ નૃશંસ કર્મો કરતો રહીશ. માટે હવે મારી સંસારમાં રહેવાની ઇચ્છા નથી. જે થયું છે, તે સંપૂર્ણ છે. સિદ્ધાર્થક ! તું જ વિચારી જો કે, એવું કયું મહાપાતક અવશિષ્ટ રહ્યું છે, કે જે મારા હસ્તે ન થયું હોય ? અસત્ય આચરણ અને અસત્ય ભાષણો તો કેટલાંય થયાં હશે, એની ગણના પણ નથી; પરંતુ મુખ્ય ગણાતી રાજહત્યા, બાલહત્યા અને સ્ત્રીહત્યા પણ હું કરી ચૂક્યો છું. અર્થાત્ હવે ભવિષ્યમાં એવાં કર્મોમાં પ્રવૃત્ત રહી ચન્દ્રગુપ્તના પ્રધાનની પદવી ભોગવવાની મારી લેશ માત્ર પણ ઇચ્છા નથી. વળી જ્યાં સૂધી રાજ્યની પ્રાપ્તિ નહોતી થઈ ત્યાં સૂધી ચન્દ્રગુપ્ત મને જેવા માનની દૃષ્ટિથી જોતો હતો, તેવા માનની દૃષ્ટિથી રાજા થવા પછી જોશે કે નહિ, એની શંકા જ છે. જે નૃશંસ કૃત્ય કરીને મેં એનું હિત કર્યું અને પૂર્વ રાજાનો નાશ કર્યો, તેવાં જ કૃત્યો પાછાં કરીને આ મારો અને મારા વંશનો પણ નાશ કરીને બીજા કોઈને સિંહાસને બેસાડશે, એવી શંકા ચન્દ્રગુપ્તના મનમાં આવવાની જ. એવી શંકા એના મનમાં આવે ને એ મારો દ્વેષ કરવા માંડે, તે પહેલાં જ મારે અહીંથી પ્રયાણ કરી જવું, એ વધારે સારું છે. સિદ્ધાર્થક ! સત્ય માનજે કે, હું સર્વથા નિરિચ્છ મનુષ્ય છું - મને એક ફૂટી કપર્દિકાની પણ અપેક્ષા નથી. મારા અપમાનનું પરિમાર્જન કરવાની જ માત્ર મારી પ્રતિજ્ઞા હતી અને તે હું પૂરી કરી ચૂક્યો છું; હવે મારી માત્ર એટલી જ આશા અથવા ઇચ્છા છે કે, મારા દેખતાં આ યવનોનું પારિપત્ય થાય; અને તેમ થવાનો પ્રસંગ પોતાની મેળે જ આવી લાગ્યો છે. રાક્ષસે આપણા વિરુદ્ધ પક્ષમાં જવાનો વિચાર ન કર્યો, એટલે ધાર કે, કાર્ય સફળ થઈ ચૂક્યું. એમાં વળી રાક્ષસનો આવો નિશ્ચય હોય, એટલે પછી બીજું જોઈએ જ શું? સિદ્ધાર્થક ! રાક્ષસનો નન્દવંશમાં અને મગધદેશમાં ખરો ભક્તિભાવ છે. એ જ ભક્તિભાવ ચન્દ્રગુપ્તમાં રાખવાનું જો તે મુખથી એકવાર બોલે, એટલે હું મને આ જંજાળમાંથી સર્વથા છૂટો થએલો સમજું, રાક્ષસ યવનોને કોઈ કાળે પણ આગળ વધવા દેવાનો નથી જ, તેમ જ............”