પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


“જ્યારે આપના હૃદયમાં આટલો બધો પશ્ચાત્તાપ થાય છે, ત્યારે આ૫ ભગવાન બુદ્ધના માર્ગનું અવલંબન કેમ નથી કરતા ? ભગવાન વસુભૂતિ મહા આનંદથી આપને દીક્ષા આપીને પોતાના વિહારમાં રાખશે. વૃન્દમાલા દીક્ષિત થઈ ચૂકી છે અને તેણે હવે સુમતિકાને આગ્રહ કરવા માંડ્યો છે કે, મેં લીધી તેવી રીતે તું પણ દીક્ષા લે – એ વિના કરેલાં પાપકર્મોથી તારો છૂટકારો થવાનો નથી ! આપ પણ જો તેમ જ કરશો તો, રાજવંશના ઘાતના મુખ્ય હેતુ થએલા આપણે બધા સહજમાં નિર્વાણની પ્રાપ્તિ કરી શકીશું. હું અત્યારે આપને વિનતિ કરું છું, તેવી જ રીતે ભગવાન વસુભૂતિ પણ આપને એકવાર ઉપદેશ આપવાના છે, એમ તેઓ મને કહેતા હતા.” ચાણક્યને બોલતો અટકાવીને વચમાં સિદ્ધાર્થકે પોતાના ધર્મની મહત્તા દર્શાવીને ચાણક્યને પણ બુદ્ધભિક્ષુ થવાનો ઉપદેશ આપ્યો.

ઉપર્યુક્ત વિવેચન વાંચીને શાકલાયનને ત્યાં સંવાહકરૂપે જઈ તેને સંવાહકનો વેશ આપીને રાક્ષસ પાસે લઈ જનાર સંવાહક કોણ હતો, એ વાચકો જાણી શક્યા હશે જ “શાકલાયન મલયકેતુ પાસેથી ઘર્ષણપત્રિકા લઈને આવેલો છે, એટલે સાહજિક આપણને કાંઈ ને કાંઈ અંત:કલહ મળી આવશે અને અંદરખાનેથી અગ્નિ પણ પ્રજળાવી શકાશે. જો તેમ થયું તો એને યુક્તિથી ફસાવવો જ.” એવો ચાણક્યે નિશ્ચય કર્યો. ઉપરાંત પર્વતેશ્વરને પકડેલો છે, માટે તેને છોડવવામાટે અને તેને જે અપમાન આપવામાં આવ્યું છે, તેનું વૈર વાળવામાટે મલયકેતુ યવનોની સહાયતાથી મગધદેશપર ચઢી આવે, તો રાક્ષસ પોતાના વૈરનો બદલો લેવાના હેતુથી ચન્દ્રગુપ્તના નાશ માટે તેને અનુકૂલ થઈને સહાયતા આપે છે કે નહિ, એ પણ ચાણક્ય જોવા ઇચ્છતો હતો. એવાં કેટલાંક કારણોથી જે વેળાએ “માર્ગના શ્રમથી શરીર અસ્વસ્થ થએલું છે, માટે બે દિવસ વિશ્રાંતિ લઈને પછી મલયકેતુનો સંદેશો આપને જણાવીશ.” એવો શાકલાયનનો સંદેશો આવ્યો, તે વેળાએ જ ચાણક્યે ભવિષ્યમાં કરવા ધારેલા વ્યૂહની રચના કરી રાખી હતી. તેણે સિદ્ધાર્થકને સંવાહકના વેશમાં શાકલાયન પાસે મોકલ્યો અને રાક્ષસ વિશેના લોકોના અભિપ્રાયો બદલાતા જાય છે, એમ સમજાવીને રાક્ષસ પાસે જવાની અને તેની સહાયતા માગવાની સિદ્ધાર્થક દ્વારા તેણે તેને સૂચના કરાવી. શાકલાયને તે પ્રમાણે કર્યું અને તેનું તથા રાક્ષસનું જે પરસ્પર ભાષણ થયું, તે બધું સાંભળીને સિદ્ધાર્થકે આવી આદિથી અંતપર્યન્ત ચાણક્યને કહી સંભળાવ્યું. ચાણક્યે એ બધો વૃત્તાન્ત સાંભળ્યો, એટલે તેના મનનું ઘણું જ સમાધાન થયું. રાક્ષસની દેશનિષ્ઠા અને સ્વામિનષ્ઠા કેટલી બધી વિલક્ષણ હતી, એની અદ્યાપિ ચાણક્યના