પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

થઈ” એ બનાવથી એ બ્રહ્મનિષ્ઠ અને તપોનિષ્ઠ બ્રાહ્મણના મનમાં ખરેખર ઘણો જ ખેદ થવા લાગ્યો. ચન્દ્રગુપ્તને ગોપાલકો પાસેથી ઉઠાવી લાવીને રાજા બનાવ્યો અને હવે તેના હસ્તે દિગ્વિજય કરાવીને સમસ્ત ભારતવર્ષને પાદાક્રાન્ત કરાવવાનો ચાણક્યનો હેતુ હતો, પરંતુ તે હેતુ સફળ થાય ત્યાં સૂધી પાટલિપુત્રમાં રહીને તેનાં કૌતુકો જોતા બેસવાનું ચાણક્યને યોગ્ય લાગ્યું નહિ. પોતે જ જ્યાં આવો મહાન નરમેધ કર્યો હતો, ત્યાં હવે વધારે સમય ગાળવાનું તેને દુ:ખ સમાન ભાસવા લાગ્યું. રાક્ષસના ગળામાં સચિવપદવીનું ક્ષેપણ કરીને પોતે મુક્ત થઈ જવામાં પણ તેનો એક ખાસ હેતુ હતો, એમ કહીશું તો તે અસત્ય તો નહિ જ ગણાય. સિદ્ધાર્થક અને ચાણક્યનું પરસ્પર સંભાષણ થવા પૂર્વે ચાણક્યના પશ્ચાત્તાપની વાત કોઈના પણ જાણવામાં આવી નહોતી. પરંતુ ઉપર્યુક્ત ભાષણના પ્રસંગે અકસ્માત તે પશ્ચાત્તાપ ચાણક્યના મુખદ્વારા બહાર નીકળ્યો અને તે સિદ્ધાર્થકના જોવામાં આવ્યો. મનમાં જ્યારે વિચારોની વિપુલતા થઈ જાય છે અને જ્યારે તેમનું પરસ્પર યુદ્ધ થવા માંડે છે, ત્યારે ન પચેલા અન્ન પ્રમાણે તેઓ એકાએક મુખદ્વારમાંથી બહાર નીકળી પડે છે. સિદ્ધાર્થક પાસે બેઠો છે, એનું ભાન ન રહેતાં ચાણક્યે પોતાના સર્વ વિચારો બહાર કાઢી નાંખ્યા અને ત્યારપછી એ કૃત્ય માટે પોતાને ક્ષીણ બુદ્ધિની ઉપમા આપતો તે બહુ જ શોક કરવા લાગ્યો. મનુષ્યના મનને એક ચમત્કારિક યંત્રની જ ઉપમા આપી શકાય, માટે એનું કયું ચક્ર કઈ વેળાએ ફરશે, એનો નિયમ હોતો નથી. વળી ફરીને તે ચક્ર કેવો ગોટાળો કરશે, એ પણ કહી શકાતું નથી. મનના એ તત્ત્વને ચાણક્ય સારી રીતે જાણતો હતો અને તેથી જ પાટલિપુત્રમાં હવે ન રહેવાનો તેણે નિશ્ચય કરેલો હતો.

આવા પ્રકારના અનેક વિચારોમાં લીન થઈને તે હિરણ્યવતી નદીના તીરે ઘણીક વાર સૂધી બેસી રહ્યો. “રાક્ષસને ઘેર જઈ સ્પષ્ટતાથી તેને વિનતિ કરીને તું ચન્દ્રગુપ્તનો સચિવ થા, એટલે મગધનું રાજ્ય અને નન્દનો વંશ એ ઉભય સ્વતંત્ર રહેશે, નહિ તો આ દેશનું કેવું અને કેટલું અનિષ્ટ થશે, એ કહી શકાય તેમ નથી, એમ તેને કહેવું અને હું પોતે હિમાલયમાં જઈ ગિરિકંદરામાં બેસી તપશ્ચર્યા કરવાનો છું, એ પણ તેને જણાવી દેવું” એવો તેનો વિચાર થયો. “તમો પરદેશીઓને હું કોઈ પણ પ્રકારે સહાયતા આપવાનો નથી. મગધદેશમાં યવનોના અધિકારની સ્થાપનાનો હું કદાપિ હેતુ થવાનો નથી.” એવું રાક્ષસે શાકલાયનને આપેલું ઉત્તર સિદ્ધાર્થકના મુખેથી સાંભળતાં જ રાક્ષસવિશે ચાણક્યના મનમાં ઘણો જ આદર અને પૂજયભાવ પ્રકટ્યો હતો. પરકીયોને એકવાર આપણા દેશમાં