પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૫
ચાણક્ય હાર્યો.

પ્રવેશ થવા દીધો, એટલે પછી તેમને પાછા કાઢી મૂકવાનું કાર્ય ઘણું જ કઠિન થઈ પડે છે; કિંબહુના અશક્ય જ થાય છે, એમ કહીએ તોપણ ચાલે. કૌટિલ્યથી કદાચિત તે સાધ્ય થઈ શકે, એવો સંભવ હોય છે, પરંતુ કૌટિલ્ય બધાથી સાધી શકાતું નથી અને સર્વ કાળમાં કુટિલનીતિની સફળતા થઈ શકતી નથી. રાક્ષસે ઘણા જ બળથી શાકલાયનની વિનતિનો અસ્વીકાર કર્યો, એમાં જ તેની ખરી મહત્તા દેખાઈ આવી. “રાક્ષસ કુટિલનીતિને જાણનારો નથી. અર્થાત્ એની નીતિ સરળ હોવાથી જ મારી કુટિલનીતિનો એ ભોગ થઈ પડ્યો. એનો પોતાના દૃઢ વિશ્વાસથી જ પરાજય થયો. રાજસચિવે અહોરાત્ર જે જાગૃતતા રાખવી જોઈએ, તે એણે રાખી નહિ અને પોતાના આસપાસના તથા હાથ નીચેના અધિકારીઓ સાથે જેટલા સૌમ્ય ભાવથી વર્તવું જોઈએ, તેટલા સૌમ્ય ભાવથી એ ન વર્ત્યો, એટલો જ એનો અપરાધ. પરંતુ એ દોષનું હવે પછીના નવા અનુભવથી નિવારણ થઈ જશે. પરમનિષ્ઠા - પોતાના સ્વામીમાં અને પોતાના દેશમાં પરમનિષ્ઠાનો મનુષ્યમાં જે મુખ્ય ગુણ જોઈએ, તે ગુણ એના અંગમાં રોમ રોમ વ્યાપી રહ્યો છે. ભાગુરાયણમાં એ ગુણનો સર્વથા અભાવ છે. જેવી રીતે ભાગુરાયણ મારા કુટિલનીતિમય ભાષણથી બદલી ગયો, તેવી રીતે રાક્ષસ કોઈ કાળે પણ બદલે તેમ નથી. માટે સચિવપદવી તો રાક્ષસને જ આપવાનો મારે પ્રયત્ન કરવો જોઈએ. હું એને ઘેર જઈને એને નાના પ્રકારે સમજાવીશ અને અન્તે એના મુખે હા ભણાવીને જ ત્યાંથી ઊઠીશ, એટલી શક્તિ હજી મારામાં છે. રાક્ષસ વશ થાય અને તે તથા ભાગુરાયણ રાજ્યરથની ધુરા પોતાના સ્કંધભાગે ધારણ કરે, એટલે સર્વ વ્યવસ્થિત થઈ જાય. ચન્દ્રગુપ્ત તો સારો અને રાજ્યકાર્યમાં નિપુણ છે જ, માટે એકવાર રાજ્યરથ સાવધાનતાથી ચાલવા લાગ્યો, એટલે પછી એ દિગ્વિજય તો અવશ્ય કરવાનો જ. હું તપશ્ચર્યાનો આરંભ કરું, ત્યાં સૂધીમાં એના દિગ્વિજયનો જયજયકાર ધ્વનિ મારા સાંભળવામાં આવે, એટલે પછી મારા જન્મની સાર્થકતા થઈ ચૂકી – મારા અવતાર કૃત્યની સમાપ્તિ થઈ.” એવા નાના પ્રકારના વિચારો કરતો કરતો ચાણક્ય પોતાની પર્ણકુટીમાં ગયો, અને ત્યાંથી ચન્દ્રગુપ્તના મહાલયમાં ગયો. ત્યાં ગુરુશિષ્ય ઉભયનું કેટલીકવાર સુધી સંભાષણ થયું અને ત્યાર પછી એક શિષ્યને સાથે લઈને ચાણક્ય રાક્ષસના મંદિર પ્રતિ જવાને ચાલતો થયો.

—₪₪₪₪—