પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૭
રાક્ષસ અને ચાણક્ય.

યવનોની સહાયતાથી મગધને જિતવા ચહાતા મલયકેતુને સહાયતા આપવી, એટલે પોતાના દેશને પોતાના હાથે જ યવનોના હાથમાં સોંપવો, એવું થતું હતું. અને એમ તો તેનાથી કાલત્રયે પણ બની શકે તેમ હતું નહિ. અર્થાત્ આવા પ્રસંગે શાંત થઈને બેસી રહેવા વિના તેના માટે બીજો માર્ગ જ રહ્યો ન હોતો.

અનેક પ્રકારના વિચારો તેના મનમાં આવ્યા કરતા હતા. પરંતુ સ્વસ્થ થઈ બેસી રહેવાનો વિચાર પણ તેને રુચ્યો નહિ. તે ઘણો જ અસ્વસ્થ અને આકુળ વ્યાકુળ થઈ ગયો. એટલામાં “કોઈ આપને મળવા માટે આવ્યું છે” એવા પ્રતિહારીએ આવીને સમાચાર આપ્યા, “કોણ છે ?” એવો રાક્ષસે પ્રશ્ન કર્યો, એટલે તેનું “કોઈ એક બ્રાહ્મણ અને તેની સાથે એક શિષ્ય છે,” એવું ઉત્તર મળ્યું. રાક્ષસે ક્ષણ બે ક્ષણ વિચાર કર્યો. એ બ્રાહ્મણ કોણ હશે, એ વિશે તેનો તર્ક ચાલી શક્યો નહિ. કોઈ અતિથિ અભ્યાગત હશે, એમ ધારીને તેણે પ્રતિહારીને તેમને અંદર લાવવા માટેની આજ્ઞા આપી. આજ્ઞા અનુસાર પ્રતિહારી તે બ્રાહ્મણને અંદર લઈ આવ્યા અને રાક્ષસે ઉઠીને તેને માન આપી બેસવા માટે એક ઉચ્ચાસન દેખાડ્યું, તે આસનપર તે બ્રાહ્મણના શિષ્યે મૃગચર્મ પાથર્યું. બ્રાહ્મણ બેઠો અને તેણે પોતાના શિષ્યને બહાર જઇને બેસવાની સાંકેતિક આજ્ઞા કરી. શિષ્ય ચાલ્યો ગયો. બ્રાહ્મણની મુખમુદ્રા ઘણી જ તેજસ્વી દેખાતી હતી. ચાણક્યના સ્વરૂપનું વર્ણન રાક્ષસે સાંભળેલું હતું, તેથી “એ ચાણક્ય તો નહિ હોય !” એવી પ્રથમ તેના મનમાં શંકા આવી, પરંતુ “ચાણક્ય મારે ત્યાં શામાટે આવે?” એવો બીજો વિચાર મનમાં આવવાથી પ્રથમની શંકાને તેણે દૂર કરી દીધી. બ્રાહ્મણ આસને બેઠા પછી રાક્ષસે પુનઃ તેનું અભિવંદન કરીને તેને નમ્રતાથી કહ્યું કે, “બ્રાહ્મણશ્રેષ્ઠ ! આપની હું શી સેવા કરું? મારી કઈ સેવાથી આપને સંતોષ થવાનો સંભવ છે ? કયા કાર્ય માટે આ રાક્ષસને ઘેર આપનું પધારવું થયું છે? કૃપા કરીને કહી સંભળાવો.”

એ સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે, “અમાત્યરાજ !.…. ........... .”

પરંતુ રાક્ષસે તેને વચમાં જ થોભાવીને કહ્યું કે, “બ્રહ્મન્ ! હું હવે અમાત્ય નથી. આ પુષ્પપુરીમાં થોડાક દિવસોથી જે એક હાહાકાર પ્રવર્ત્તી રહ્યો છે, તે વિશે તે આપે સાંભળ્યું હશે જ. માટે હવે મને અમાત્યના નામથી શામાટે બોલાવો છો વારુ?”

“એ હાહાકારથી તમારી અમાત્યપદવીને શો બાધ આવે તેમ છે? તમે તો પુષ્પપુરીના સિંહાસનના અમાત્ય છો જ, ઉપરાંત અમાત્યની