પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પદવી ધરાવનારા પુરુષમાં જે યોગ્યતા હોવી જોઇએ, તે સર્વ યોગ્યતા તમારા અંગમાં છે, એટલે પછી તમને અમાત્યના નામથી શામાટે ન બોલાવવા વારુ? ખાસ હું તો તમને અમાત્ય જ ધારું છું, અને તેથી હું તો તમને અમાત્યના નામથી જ બોલાવવાનો !” ચાણક્યે તેના મતનું ખંડન કર્યું.

એટલું કહીને તે બ્રાહ્મણ કિંચિત થોભી ગયો. સર્વથા અસ્ખલિતા અને આજ્ઞા કરવામાં જ યોજવા યોગ્ય એ બ્રાહ્મણની વાણી કાને પડતાં જ રાક્ષસ સ્તબ્ધ થઈ ગયો. બ્રાહ્મણે પોતાના બોલવાનું કાર્ય આગળ ચલાવ્યું:-

“અમાત્યરાજ ! મારી અહીં એક કુટિલ પુરષ તરીકે ખ્યાતિ થએલી છે અને લોકો મને કૌટિલ્યના નામથી બોલાવવા લાગ્યા છે, એમ પણ મારા સાંભળવામાં આવ્યું છે. જે કાર્ય કુટિલતાથી જ સધાય તેવું હોય, તેને કુટિલતાથી જ સાધવું જોઇએ; તેમ જ સરળતાથી થઈ શકતું હોય, તો કાર્યની સિદ્ધિ સરળતાથી જ કરવી જોઇએ, એ મારો સિદ્ધાન્ત છે અને એ મારી નીતિ છે. તમને અમારા પક્ષમાં લેવા માટે સરળતા વિના હવે બીજો કોઈ ઉપાય નથી અને આ મગધનું રાજ્ય તમારા વિના ચાલવાનું નથી. મગધરાજ્યરથની ધુરાને ધારણ કરવા માટે તમારા જેવા જ પુરુષ પુંગવની આવશ્યકતા છે. એ સઘળાનો વિચાર કરીને જ આજે હું સરળતાથી તમારા સંગે વાતચિત કરવા માટે આવેલો છું.” બ્રાહ્મણે પોતાના કાર્યનો ઉપક્રમ કર્યો.

એ બ્રાહ્મણ કોણ હશે, એ વિશે હવે રાક્ષસના મનમાં શંકા રહી નહિ. તેને એાળખતાં જ પ્રથમ તે ઊઠીને તેને કાઢી મૂકવાનો અને રાજઘાતક પુરુષ સાથે કાંઈ પણ વાત ન કરવાનો તેને વિચાર થઈ ગયો; પરંતુ ત્વરિત જ પોતાને ત્યાં આવેલા અભ્યાગતનું આવી રીતે અપમાન કરવું યોગ્ય નથી, એમ તે શ્રદ્ધાળુ રાક્ષસના મનમાં વિચાર આવતાં તે કાંઈ પણ બોલ્યો નહિ અને ચાણક્યના મુખનું એક ધ્યાનથી અવલોકન કરતો ઉભો રહ્યો.

પોતાના પ્રથમ ભાષણનું સારું પરિણામ થએલું જોઇને ચાણક્ય આગળ વધીને કહેવા લાગ્યો કે, “અમાત્યરાજ ! તમારા સ્વભાવમાં સરળતા છે, એટલે હું પણ સરળ ભાવથી જ અહીં સમાધાન કરવાને આવેલો છું. નન્દે મારું અપમાન કર્યું, તેથી મેં તેનો મૂળ સહિત નાશ કર્યો. તમારી જો કે તેનામાં પરમ નિષ્ઠા છે, પણ હવે તમારી એ નિષ્ઠા તમે ચન્દ્રગુપ્તને અર્પણ કરો, તમારી નિષ્ઠાનું તે સારું મૂલ્ય આંકશે.”