પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૯
રાક્ષસ અને ચાણક્ય.

બ્રાહ્મણનું એ ભાષણ સાંભળીને રાક્ષસે પોતાના કપાળમાં વળ ચઢાવ્યા. એ બ્રાહ્મણ વિશે હવે તેના મનમાં સંશય તો રહ્યો નહોતો જ. એટલે તે એકદમ તેને કહેવા લાગ્યો કે, “શું, રાજવંશનો ઘાત કરીને પેલા વ્યાધપુત્રને રાજ્યાસને બેસાડનારો ચાણક્ય તે તું જ કે? હા હા – નહિ તો મારે જ ઘેર આવીને મારી સાથે આટલી બધી ધૃષ્ટતાથી બીજું કોણ ભાષણ કરી શકે ? સર્વદા કુટિલતાથી વર્તનારા મનુષ્યો પ્રસંગ વિશેષ સરળતાનો વેશ ધારણ કરે, એ પણ કુટિલનીતિનો જ એક પ્રકાર છે. મારી સરળતાની તું આટલી બધી પ્રશંસા શા માટે કરે છે ? મારી અંધતાનાં મને કેવાં ફળો મળ્યાં છે, તે વિશે મોઢા મોઢ મેણું મારવાને જ તું અહીં આવ્યો છે કે શું ? ઠીક ઠીક; પરંતુ, જો કે મારી અંધતાનો લોકોને આટલો અનુભવ થઈ ચૂકેલો છે, છતાં પણ તું મને પાછો અંતઃકરણપૂર્વક અમાત્ય પદવી આપવાને આવે, એ સત્ય કરીને માનું એટલો બધે હું અદ્યાપિ અંધ થએલો નથી. તું અહીં શા કારણથી આવેલો છે, તે હું સારી રીતે સમજી શકું છું. મારાં નેત્રોમાં કેવી રીતે ધૂળ નાંખીને તે મને આંધળો બનાવ્યો છે, તે પોતાના મુખથી કહી સંભળાવી પોતાની આત્મશ્લાઘા અને મારી ફજેતી કરવાને જ અહીં તારી પધરામણી થએલી છે. પરંતુ એમાં તારે દોષ નથી. જ્યારે મારી બુદ્ધિની નિર્બળતાથી મારા હાથે જ મેં પોતાને ફજેત કર્યો છે, તો તું પોતાની બડાઈ મારીને મને ચીડવવાનો પ્રયત્ન શા માટે ન કરે? પણ ચાણક્ય ! પોતાની કુટિલનીતિથી મેળવેલા વિજયની મારી સમક્ષ પ્રશંસા કરી મને લજ્જિત કરવાથી તારા મનમાં જેટલું સમાધાન થવાનો સંભવ છે, તેના કરતાં મારા એ પરાજયની કથા હું જ તને કહી સંભળાવું તો તેના કરતાં પણ તારા હૃદયમાં અધિક સંતોષ થવાનો સંભવ છે. મુરાદેવીના મહાલયમાંની એક દાસીને મેં દૂતિકા બનાવવાનો પ્રયત્ન કર્યો, તે દાસીને તેં મારા મંદિરમાંની પોતાની ગુપ્ત દૂતિકા બનાવી અને તેની સહાયતાથી તેં મારા અનુચર હિરણ્યગુપ્તને – નહિ, મારા જમણા નેત્રને – ફોડ્યો અને તે દ્વારા......”

રાક્ષસ એવી જ રીતે આગળ બોલવા જતો હતો, એટલામાં ચાણક્યે તેને વચમાં જ કહ્યું કે, “અમાત્ય ! એવી તેવી વાતોનો પુનઃ ઉચ્ચાર કરીને વિનાકારણ હૃદયમાં ઉદ્વેગનો વધારો શા માટે કરો છે ! હું ખરેખર કહું છું કે, તમને સતાવવાને નથી જ આવ્યો.”

“ત્યારે મહારાજ ! આપે આટલે બધો શ્રમ શાને લીધો ?” રાક્ષસે પૂછ્યું.

“તમે ચન્દ્રગુપ્તના અમાત્યપદને વિભૂષિત કરો અને રાજ્યશકટને ચલાવવાનો ભાર પોતાને શિરે લ્યો – અર્થાત્ મગધદેશની પૂર્વ પ્રમાણે અથવા