પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૧
રાક્ષસ અને ચાણક્ય.


“કારણ? આપનું પોતાનું જ ભાષણ. બીજું કારણ કયું હોય ?” ચાણક્યે કહ્યું.

“મારું પોતાનું જ ભાષણ? મેં કોઈ દિવસે એ બાબત સંબંધી વિચારો કોઈને પણ જણાવ્યા નથી.” રાક્ષસ વળી પણ અભિમાનમાં તણાયો.

“કોઈને પણ નહિ ! શાકલાયનને પણ નથી જણાવ્યા ?” ચાણક્યે ચોરી પકડી.

“શું શાકલાયને મારા અને તેના વચ્ચે જે વાતચિત થઈ હતી, તે આવીને તમને સંભળાવી છે કે? ત્યારે તો એણે બધી વાત કહી હશે નહિ?” રાક્ષસે પ્રશ્ન પૂછ્યો.

“તેણે પોતે તો એક શબ્દ પણ નથી કહ્યો.” ચાણક્યે ટુંકો જવાબ દીધો.

“ત્યારે તે મારા મંદિરના અંતર્ભાગ પર્યન્ત આપના ગુપ્ત દૂતોનો સંચાર થએલો છે, એમ જ કહી શકાય. કહો, ત્યારે હવે વિશ્વાસ કોનો રાખવો ? મારા બધા પરિચારકો કૃતઘ્ન થઈ ગયા ! વાહ – ચાણક્ય ! વાહ ! તમે પ્રપંચપરાયણ તો પૂરેપૂરા છો, એમાં કશી શંકા નથી.” રાક્ષસે પોતાના પરાજયનો સ્વીકાર કર્યો.

“એ સમાચાર આપનાર તમારો કોઈપણ અનુચર નથી, માટે વ્યર્થ કોઈનામાં શંકા ધારશો નહિ, કિન્તુ શાકલાયન સાથે આવેલા સંવાહક તે મારા દૂતોમાંનો જ એક હતો. તેણે જ મને બધો વૃત્તાન્ત કહી સંભળાવ્યો. હવે તમારે જે કરવું હોય, તે કરવાને તમે પૂર્ણ રીતે સ્વતંત્ર છો.” ચાણક્યે ભેદનો પડદો ખોલી નાંખ્યો.

ચાણક્યનો એ છેલ્લો ખુલાસો સાંભળીને રાક્ષસ સર્વથા સ્તબ્ધ થઈ ગયો. “શાકલાયન સાથે આવેલો સંવાહક ચાણક્યનો ગુપ્ત દૂત હતો અને શાકલાયન તે જાણી ન શક્યો, એ ચાણક્યની કેટલી બધી ચતુરતા ! ચતુરતાની સીમા !” એવી જાતિના ઉદ્દગારો તે મનસ્વી જ કાઢવા લાગ્યો. ત્યારપછી તેણે ચાણક્યને કહ્યું કે;–

“શાકલાયનને પણ મેં બનાવવાનો જ પ્રયત્ન કર્યો હોય તો ?”

“તો ઈશ્વર જાણે ! પણ અનુભવ તો એમ કહેતો નથી. ગમે તેમ હોય, પણ અમાત્યરાજ ! હવે બનેલી સર્વ બીનાઓનું વિસ્મરણ કરીને તમે ચન્દ્રગુપ્તના સચિવપદનો સ્વીકાર કરો. નન્દના સમયમાં તમારો જેટલો અધિકાર હતો, તેમાં અને તમારા હવે પછી થનારા અધિકારમાં લેશમાત્ર પણ અંતર રહેશે નહિ. કુટિલ નીતિ પણ સદા સર્વદા એક સરખી રીતે લાભકારિણી