કઠિન પ્રયત્નો કરીશ અને તારા ચન્દ્રગુપ્તનો ઉચ્છેદ કરીને મગધના સિંહાસને તેની સ્થાપના કરી તેનો સચિવ થઇશ.” રાક્ષસે યથાર્થ ઉત્તર આપ્યું.
રાક્ષસનું એ ભાષણ સાંભળીને ચાણક્ય હસ્યો. તેની એ ચેષ્ટાથી રાક્ષસને જરાક માઠું લાગ્યું અને તેથી તે વળી પણ ચાણક્યને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “ચાણક્યદેવ! તમે આનંદથી હાસ્ય કરો, હું સારી રીતે સમજું છું કે, હું જે બોલું છું, તે તમને અશક્ય લાગવાથી જ તમે મારું હાસ્ય કરો છો.”
“તમારા સમજવામાં ભૂલ છે.” ચાણક્યે રાક્ષસને કહ્યું, “તમે કહો છો, તે વાત સર્વથા શક્ય છે, અને તેથી જ હું હસું છું, અશક્ય લાગવાથી હસતો નથી.”
“તમારો આ બચાવ પણ મારા પરિહાસનું જ એક રૂપ છે, કારણ કે, આજનું મારું આ બોલવું તે શશશૃંગના ધનુષ્યને ધારણ કરનાર અને આકાશપુષ્પના ગુચ્છને ધરનાર વંધ્યાપુત્ર મળ્યો હતો, એ વાક્ય જેવું જ અશક્ય છે એ હું પોતે પણ સારી રીતે જાણી શકું છું, ત્યારે તમને એ અશક્ય જણાય એમાં આશ્ચર્ય તો શું?” રાક્ષસે પોતાના અંત:સ્થ ભાવનું પ્રતિપાદન કર્યું.
“આ૫ માનો કે ન માનો, પણ અમને એમાં એટલી બધી અશક્યતા દેખાતી નથી. આપ કહો તો એ મારા વિચારને હું સિદ્ધ કરી શકું તેમ છે.” ચાણક્યે કહ્યું.
રાક્ષસ એના ઉત્તરમાં કાંઈ પણ ન બોલતાં ખિન્ન વદને તેને જોઈ રહ્યો.
એટલે ચાણક્ય તેને કહેવા લાગ્યો કે ,“અમાત્યરાજ ! હું માત્ર એક જ સવાલ આપને પૂછવાનો છું તે એ કે, જો નંદવંશનો કોઈ અંકુર તમારા જોવામાં આવે, તો તેના પક્ષમાં રહી તેને પાટલિપુત્રના સિંહાસને સ્થાપીને તેની સચિવપદવીને સ્વીકારવાનો આપનો નિશ્ચય તો ડગમગવાનો નથી ને? એ પ્રતિજ્ઞાના પાલનમાં તો કોઈપણ પ્રકારનો પ્રત્યવાય નહિ આવે ને ?
“અનેકવાર કહ્યું કે નહિ વારંવાર એનો એ પ્રશ્ન શામાટે પૂછો છો?” રાક્ષસે કંટાળીને કહ્યું.
“વારંવાર એ પ્રશ્ન એટલા માટે પૂછું છું કે, નન્દના કોઈ પણ અંકુરને લાવી તમારા સમક્ષ ઊભો રાખી જો ચન્દ્રગુપ્તનો અસ્વીકાર કરતા હો તો આનો સ્વીકાર કરો, એવી મારે તમને વિનતિ કરવાની છે. પણ એમ કરવા પહેલાં આ એક વસ્તુ હું તમને બતાવું છું તે જુઓ. આ શું છે? રક્ષાબંધન કે નહિ ?”