પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૫
ચાણક્ય અને રાક્ષસ.


એમ કહીને ચાણક્યે પોતાપાસેનું રક્ષાબંધન રાક્ષસના હાથમાં આપ્યું અને તેને જોઈને રાક્ષસ આશ્ચર્યચકિત થઈ ગયો. તે આશ્ચર્યના ભાવથી જ કહેવા લાગ્યો, “હા - આ રક્ષાબંધન છે અને તે નન્દના વંશનું જ છે. જે રાજા સિંહાસનનો અધિકારી હોય, તેને ત્યાં જે પુત્રનો જન્મ થાય અને તે પ્રથમ પુત્ર હોય, તો તેના મણિબંધપર આવું રક્ષાબંધન બાંધવાની પુરાતન રીતિ છે. પણ તમારું આ રક્ષાબંધનવિશે શું કહેવું છે?”

“જે કહેવાનું છે તે કહું છું. શારદ્વત જરા અહીં આવને.” આજ્ઞા સાંભળીને ચાણક્યનો શિષ્ય શારદ્વત્ બહાર ઉભેા હતો, તે અંદર આવ્યો. તેને ચાણક્યે રાક્ષસ સમક્ષ ઉભો રાખ્યો, અને તેને પોતાના જમણા હાથની રેષા ઉધાડી રાખવાની આજ્ઞા કરીને કહ્યું કે, “રાક્ષસ! આ જુઓ, આ બાળકની હસ્તરેષાનું ધ્યાનપૂર્વક અવલોકન કરો, તમે સામુદ્રિક ચિન્હોને સારી રીતે ઓળખી શકો છો, તેથી જ આ ચિન્હો તમને બતાવું છું. આ બધાં ચિન્હ ચક્રવર્તી રાજા થવાનાં છે કે નહિ, તે કહો જોઈએ.”

“હા – છે.” એટલું બોલીને રાક્ષસ ગભરાટમાં પડી ગયો. હવે પછી ચાણક્ય શું કરવાનો છે, એનું તેનાથી અનુમાન કરી ન શકાયું.

“રાક્ષસરાજ ! હવે તમે જ વિચાર કરો, કે જે ખરો રાજબીજ પુરુષ ન હોય, તેની હસ્તરેષા આવી હોઈ શકે ખરી કે? ન જ હોય.” ચાણક્ય બોલ્યો.

રાક્ષસે એનું કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ.

એટલે ચાણક્યે પોતાના ભાષણનું અનુસંધાન કરતાં કહ્યું કે, “અમાત્યરાજ! હવે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કેમ નથી કરતા વારુ ? આ તમારા સમક્ષ ઊભો રહેલો બાલક તે નન્દવંશનો અંકુર છે, એના જન્મ સમયે એના મણિબંધપર આ રક્ષાબંધન બાંધેલું હતું. એના ગ્રહો સારા હોવા છતાં પણ એક અનિષ્ટ ગ્રહની દશાથી એના જન્મ પછી આયુષ્યના પ્રથમ બાર વર્ષ દારિદ્રયમાં ગાળવાં પડ્યાં છે. એની માતા તે વ્યાધરાજાની કન્યા હતી. ભાગુરાયણે વ્યાધરાજાને જિતી તેની કન્યાને હરી લાવી ધનાનંદને અર્પણ કરી હતી, ધનાનંદે તેનાથી ગાંધર્વવિવાહ કર્યો અને તેના ઉદરથી એક પુત્ર ઉત્પન્ન થયો. ગ્રહદશાના પ્રભાવથી તમે તેના જન્મ વિશે સંશયશીલ થયા અને તેને મારી નાંખવામાટે અરણ્યમાં મોકલાવી દીધો. પરંતુ ભવિષ્યમાં તેને ચક્રવર્તીની પદવીએ ચઢાવનારા ગ્રહોની પ્રબળતાથી તેને મારવા માટે નિયત થએલા મારાઓના હૃદયમાં દયા આવવાથી તેના પ્રાણ બચ્યા. તેમણે તેને હિમાલયના એક અરણ્યમાં છોડી દીધો