પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

અને ત્યાર પછી ધર્મકર્મસંયોગે તે એક ગોવાળિયાને હાથ લાગ્યો. ગોપાળકને ત્યાં બાર તેર વર્ષ કાઢયા પછી તે મારી દૃષ્ટિએ પડ્યો. એટલે તેનાં રાજચિન્હોને જોઈ એક રાજકુમારને મળવું જેઈએ તેવું શિક્ષણ આપવાના હેતુથી મેં તે ગોપાળક પાસેથી તે બાળક માગી લીધો. તે બાળક હાલમાં મારા તાબામાં છે, તેનો તો તમે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે સ્વીકાર કરો. એમાં તો કાંઈ દોષ જેવું નથી ને?”

આ બધો વૃત્તાંત સાંભળીને રાક્ષસ ઘણો જ ગભરાટમાં પડી ગયો–તેને આ ભેદોથી ભરેલા અટપટા નાટકની કાંઈ પણ સમજ પડી નહિ. એટલે ચાણક્ય પુનઃ તેને સંબોધીને કહેવા લાગ્યો કે, “અમાત્યરાજ ! હવે કાંઈ પણ ઉત્તર કેમ આપતા નથી ? મારો વૃત્તાન્ત તમને અસત્ય તો નથી ભાસતો ને ? અને જો અસત્ય ભાસતો હોય, તો પ્રતિજ્ઞાનો ભંગ કરવાની ઇચ્છા તો નથી થતી ને?”

ચાણક્ય! આ બાળકની હસ્તરેષાનાં ચિન્હો તો બધાં ચક્રવર્તી થવાની જ સૂચના આપે છે, અને આ રક્ષાબંધન પણ નન્દનું જ છે; પરંતુ......”

“હવે પરંતુ શું?” રાક્ષસને બોલતો અટકાવી ચાણક્યે ઝટકો માર્યો.

"આ ધનાન્દનો બાળક છે તેનો આધાર શો? અરણ્યમાં મારવા માટે મોકલાવેલો બાળક આજ છે એની ખાત્રી થવી જોઈએ.” રાક્ષસે કહ્યું.

“જેણે એ બાળકનું અરણ્યમાં બાર વર્ષ પર્યન્ત પાલન કરેલું છે તે ગોવાળિયો ખાત્રી આપવા માટે હજી જીવતો છે, અને તે અત્યારે પાટલિપુત્રમાં જ છે. જો તમારી ઇચ્છા હોય, તો તેને બોલાવીએ, પરંતુ પ્રતિજ્ઞા પ્રમાણે હવે તમારાથી આનો અસ્વીકાર થવાનો નથી. આપના વચનનું પાલન થવું જ જોઇએ.”

ચાણક્યના એ શબ્દોનો રાક્ષસે ઘણી વાર સુધી વિચાર કર્યો ને ત્યાર પછી કહ્યું કે, "ચાણક્ય! જે મુરાએ પ્રત્યક્ષ પોતાના પતિનો ઘાત કર્યો તેના પુત્રનો સ્વીકાર કરતાં મારું હૃદય ચીરાઈ જાય છે; પરંતુ આના વિના હવે નન્દનો બીજો કોઈ પણ અંકુર ન હોવાથી નિરુપાયે હું એનો સ્વીકાર કરું છે. પણ હું આવો બલહીન થએલ હોવાથી એની સેવામાં રહેવા છતાં પણ મારાથી એનું શું હિત સાધી શકાવાનું હતું; એનો જ મારા મનમાં વિચાર થયા કરે છે?”

"ધારશો તો એને જ તમે મગધના રાજ્યસિંહાસને બેસાડી શકશો.”

"કેવી રીતે, બ્રહ્મદેવ?” રાક્ષસે હસીને પૂછ્યું, તેને તો આ બધું ટીખળ જેવું જ ભાસતું હતું કે કેમ, તે તો પરમાત્મા જાણે.