પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૭
ઉપસંહા૨.


“કોઈની પણ સહાયતાથી.” ચાણક્યે પ્રત્યુત્તર આપ્યું.

“આવી પડતીના સમયમાં મને સહાયતા પણ કોણ આપવાનું હતું ? માટે આપની કલ્પના યોગ્ય નથી.” રાક્ષસે નિરાશા બતાવી.

“જો ઇચ્છા હોય તો સહાયતા અત્યારે ને અહીં જ મળી શકે એમ છે. મારી કલ્પના યોગ્ય જ છે. હું આ૫ને સહાયતા આપી શકું તેમ છે.” ચાણક્યે કહ્યું.

“કેમ, ચન્દ્રગુપ્તને અને આપનો સંપ તૂટી ગયો કે શું ? તેને ત્યાગી દેવાની તો તમારી ઇચ્છા નથીને ?” રાક્ષસે ઉપહાસ્ય કર્યું.

“ના - તેવું કાંઈ પણ નથી. આને અને ચન્દ્રગુપ્તને - બન્નેને આપણે પાટલિપુત્રના સિંહાસને સ્થાપિત કરીશું, એટલે પછી કાંઈ ચિન્તા જેવું નહિ રહે.” ચાણકયે દ્વિઅર્થી ભાષણ કર્યું.

“એટલે?” રાક્ષસે એનો ભેદ ન સમજવાથી પ્રશ્ન કર્યો.

“એટલે શું? આ બાળક તે જ ચન્દ્રગુપ્ત છે !” ચાણક્યે ભેદને તોડીને માર્ગને સરળ બનાવી દીધો.

રાક્ષસ આશ્ચર્યમાં લીન થઈ ગયો.



ઉપસંહાર.

ચાણક્ય ખાસ પોતાના હેતુથી જ ચન્દ્રગુપ્તને શિષ્યનો વેશ પહેરાવીને પોતાસાથે લઈ આવ્યો હતો, અને શિષ્યનો તેણે જે બધો વૃત્તાન્ત રાક્ષસને કહી સંભળાવ્યો, તે સર્વ વૃત્તાન્ત ચન્દ્રગુપ્તનો જ હતો. રાક્ષસે એ બધો વૃત્તાન્ત સાંભળ્યો, તે આશ્ચર્યચકિત થયો અને અંતે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે નન્દનો અંકુર જે ચન્દ્રગુપ્ત તેની સેવાનો સ્વીકાર તેણે આનંદથી કર્યો. રાક્ષસ પાછો સચિવપદે નીમાયાથી ભાગુરાયણ મનમાં કાંઈક અસંતુષ્ટ થયો, પરંતુ ત્વરિત જ ચાણક્યે તેને સમજાવીને શાંત કરી નાંખ્યો. રાક્ષસ અને ચાણક્ય એ બન્ને એક થયા. એટલે પછી પૂછવું જ શું હોય ? સલૂક્ષસ અને મલયકેતુ પોતાનાં સૈન્યો લઈને આવે, તે પહેલાં જ તેમણે પોતાની એક પ્રચંડ સેના તૈયાર કરી. તે સેનામાં ૬૦૦૦૦૦ પાળદળ, ૩૦૦૦૦ ઘોડેસ્વાર અને ૯૦૦૦ હાથી હતા. એવી પ્રચંડ સેના હોય અને ચન્દ્રગુપ્ત જેવો તરુણ, મહત્ત્વાકાંક્ષી અને શૂર પુરુષ તેનો નેતા હોય, એટલે પછી તેના વિજયમાં શંકા જ શાની રહે ? પહેલે ફટકે જ સલૂક્ષસ અને મલયકેતુનાં સૈન્યોની તેમણે