પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

વિચાર કરતા બેસી રહેવામાં તો કાંઈ પણ માલ નથી. પ્રતિજ્ઞા અને કાર્યની સિદ્ધિ કરવી હોય, તો અવશ્ય કાંઈ પણ આરંભ કરવો જોઈએ, એવા તરંગો તે દિવસે ખાસ કરીને તેના હૃદયસમુદ્રમાં ઉત્પન્ન થતા જતા હતા. અર્થાત્ શું કરવું? કાર્યનો પ્રારંભ કેવી રીતે કરવો ? એ વિચારો વિશેષ રીતે તેના મનને ત્રાસ આપતા હતા. ચંદ્રગુપ્ત પ્રાતઃકાળમાં જ ઉઠીને કોઈ શિકારના શોધ માટે અરણ્યમાં ચાલ્યો ગયો હતો. સમય અતિશય શાંત, પરંતુ પ્રખર-તપ્ત-હતો. સૂર્યનારાયણે આકાશના મધ્ય ભાગને પોતાનું આસન બનાવ્યું હતું, સર્વ પશુપક્ષીઓ પણ વિશ્રાંતિ લેવાના હેતુથી પોતપોતાની ગુહાઓમાં અને માળાઓમાં જઈને ભરાઈ બેઠાં હતાં. બ્રાહ્મણના આસપાસના પ્રદેશમાં જો કે સર્વત્ર શાંતિ છવાયલી હતી; પરંતુ તેના પોતાના અંતઃકરણમાં લેશમાત્ર પણ શાંતિનો ભાવ હતો નહિ. ઇષ્ટકાર્ય સિદ્ધ ન થયું હોય, ત્યાં સુધી તેના હૃદયને શાંતિ ક્યાંથી મળી શકે વારુ ? ચાણક્ય એવી રીતે વિચાર કરતો બેઠો હતો, એવામાં એકાએક એક વિલક્ષણ ક૯પના તેને સૂઝી આવી હોય, એમ જણાયું. કારણ કે તેની મુખમુદ્રા એકદમ પ્રફુલ્લિત થઈ ગઈ. એ ઉલ્લાસમાં જ તેણે એકવાર બન્ને હાથે તાળી વગાડી, અને પોતાના મન સાથે જ તે કાંઈ વાતચિત કરવા લાગ્યો. એક બે વાર ગર્દન ડોલાવીને તે સ્વગત કહેવા લાગ્યો, “બરાબર, એમ કીધા વિના હવે બીજો માર્ગ જ નથી. મારા ત્યાં ગયા વિના એ વ્યવસ્થા થવી અશક્ય છે, અને એ વ્યવસ્થા થયા વિના હવે પછીના કાર્યક્રમનો ઉપક્રમ થવો પણ અશક્ય જ છે. અહીં બેસી રહેવાથી જ શું થવાનું છે? જે થવાનું છે તે ત્યાં જ થવાનું છે. માત્ર એક જ વર્ષમાં ચંદ્રગુપ્તે કાંઈ થોડી વિદ્યાનું ગ્રહણ નથી કર્યું અને હું પાટલીપુત્રમાં ગયો હતો, તે વેળાએ હતી તેવી જ સ્થિતિ જો અત્યારે પણ કાયમ હશે, તો મારું કાર્ય સાધી લેવામાં વધારે કઠિનતા પણ થવાની નથી. હજી તો એક વર્ષ પણ થયું નથી અને હું ત્યાં જવાને તૈયાર થાઉં છું, એ બીના થોડીક અડચણ કરે એવી દેખાય છે. પણ એમાં અડચણ શી? આટલો મહાન્ વ્યૂહ રચવાની જે સત્તા ધરાવે છે, તે જ ચાણક્ય પ્રારંભમાં જ આવી શંકાઓથી ઉત્સાહહીન થઈ જાય, તો પછી કાર્ય કેમ થશે? જે મનમાં આવ્યું, તે તત્કાળ ન કર્યું તો પછી સિદ્ધિ કોઈ કાળે પણ થાય તેમ નથી.”

એવી રીતે મનમાં જ કાંઈક વિવેચના, કાંઈક નિશ્ચય અને કાંઈક વિચાર કરતાં કરતાં ચાણક્યે સ્નાન માટે નદીના જળમાં પ્રવેશ કર્યો, એ સમયે વેળાને યોગ્ય એવા મંત્રો એક પછી એક સહજ રીતે તેના મુખમાંથી નીકળતા હતા; પરંતુ તેનું મન એ મંત્રોના ઉચ્ચારણમાં નહોતું, એ તો સ્પષ્ટ જ