પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

જ દૂર ચાલ્યા ગયા. એકાંતમાં ચાણક્ય ચંદ્રગુપ્તને સંબોધીને પુનઃ કહેવા લાગ્યો. “હે પુત્ર ચંદ્રગુપ્ત ! હું થોડા સમયને માટે તારાથી દૂર થવાનો છું. જો કે તારી અવસ્થા હજી ઘણી જ નાની છે, છતાં પણ તારા હાથે જે મારે એક મહત્ કાર્ય કરાવવાનું છે, તેનો આરંભ અત્યારથી જ કરવો જોઈએ. તેને મુલતવી રાખવામાં માલ નથી. ઉપરાંત આ આશ્રમની વ્યવસ્થાનો ભાર આ ચાર માસને માટે તો તારા શિરે જ રહેવાનો. જે મનુષ્ય ભવિષ્યમાં એક મોટા રાજ્યનો રાજા થવાનો છે, તેને તેવા કાર્યભારનો થોડો ઘણો અનુભવ તો મળવો જ જોઈએ અર્થાત્ તું આટલો બધો તરુણ છે, છતાં પણ આ આશ્રમનો સઘળો ભાર તારા માથાપર નાખીને હું એક ચાતુર્માસ્ય પર્યન્ત બહાર જવા ઇચ્છું છું. તું જાણે છે તો ખરો કે, અમુક એક કાર્ય માટે મારે નિશ્ચય થયો, તો તે કદાપિ ફરવાનો નહિ, અને આપણે જો આપણા હેતુને સિદ્ધ જ કરવાની ઇચ્છા રાખીએ છીએ, તો જરૂર તારે મારા વચન પ્રમાણે જ કરવું પડશે, તું મોંઢું વાકુંચુકું કરીશ નહિ. તેમ કરવાની કાંઈ પણ અગત્ય નથી. કારણ કે હું જાઉં છું તે આગળ ઉપરના કાર્યનો પાયો નાખવાને જ જાઉં છું – એમાં મારો બીજો કશો પણ હેતુ નથી. મારે ત્યાં શું શું કરવાનું છે, તે અત્યારે જ તને જણાવી દેવાનું કાંઈ પણ પ્રયોજન નથી. વત્સ ! મગધદેશના રાજસિંહાસને હું જ્યારે તને વિરાજેલો જોઈશ, ત્યારે જ મારાં નેત્રોની બાધાનો અંત થશે. ત્યાર પહેલાં થવાનો નથી, એ નિશ્ચયપૂર્વક માનવું. વધારે હું તને કાંઈ પણ કહેવા માગતો નથી. બીજાઓને જે કાંઈ પણ કહેવાનું હશે તે હું કહી દઈશ; પણ સર્વપર દેખરેખ તો તારે જ રાખવાની છે. તું જ આશ્રમનો સ્વામી છે. તું જ અહીંનો રાજા છે. ભવિષ્યમાં તું રાજ્ય કેવી રીતે ચલાવી શકીશ, એનું અનુમાન તારા આ ચાર માસના વર્તન પરથી સહજમાં કાઢી શકાશે.”

બિચારો ચંદ્રગુપ્ત ખરેખર નમાણું મોઢું કરીને જ ચાણક્યનું એ ભાષણ સાંભળતો જતો હતો. તેને પોતાના ગુરુના થનારા વિયોગના સ્મરણથી ઘણો જ ખેદ થયો. બાલ્યાવસ્થાથી જે ગોવાળિયાએ એનું લાલન પાલન કર્યું હતું તેના કરતાં પણ માત્ર એક વર્ષમાં જ ચાણક્યે એના મનનું વિશેષ આકર્ષણ કર્યું હતું – તેથી એ ગુરુરાજના વિયોગથી થનારું દુ:ખ તેને અસહ્ય ભાસતું હતું. તે ગુરુને નમ્રતાથી કહેવા લાગ્યો. “ચાણકય મહારાજ! હજી તો મારા શિક્ષણની સમાપ્તિ થઈ નથી, ત્યાં તો આપ મને છોડી જવાની વાત કરવા બેઠાને? ત્યારે મને સાથે જ શામાટે નથી લઈ