પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
પ્રયાણ.

જતા ? જ્યાં આપ ત્યાં જ હું - કાંઈ ૫ણ સંકટ આવતાં હું બ્‍હી જઈશ, એવી ભીતિ રાખશો નહિ. જો આપ મારા સમક્ષ હશો, તો હું કાળથી પણ ડરનાર નથી. વધારે શું કહું ? પરંતુ જો આપ મને અહીં એકલો જ છોડી જશો, તો માત્ર મારી મનોવૃત્તિ શાંત રહેવાની નથી. સાથે રહેતાં ગમે તે સુખ દુઃખ વીતે તેની મને પરવા નથી.”

“તું સંકટથી ગભરાઈ જઈશ, એમ ધારીને હું તને સાથે નથી લઈ જતો એમ બિલકુલ નથી. હાલનો વખત જ એવો છે કે, મારે એકલાએ જ જવું જોઈએ. હવે એ વિશે વધારે કશું પણ તારે બોલવું નહિ - હું કહું તેવી રીતે વર્તવું, એ જ તારું કર્તવ્ય છે. આમ કરવામાં તારા કલ્યાણ વિના મારો બીજો કોઈ પણ હેતુ નથી, એ બીજી વાર કહી બતાવવું જોઈએ તેમ નથી; કારણ કે તે તું સારી રીતે સમજે છે.” ચાણક્યે ગંભીર ભાવથી ભવ્યમુદ્રા કરીને ચંદ્રગુપ્તના મનનું સમાધાન કર્યું.

ગુરુના મુખમાંથી આવાં વચનો નીકળતાં ચન્દ્રગુપ્ત અધિક શું બેાલી શકે વારુ? તેનાથી કાંઈપણ બોલાયું તો નહિ, પણ તેના મનમાં જે અતોનાત દુ:ખ થતું હતું, તે આર્ય ચાણક્ય સ્પષ્ટતાથી જોઈ શક્યો; છતાં પણ ચાણક્ય જેટલો પોતાના મનોવિકારોને વશ થઈ જનારો હતો, તેટલો જ તે નિશ્ચયી પણ હોવાથી તેણે પોતાના નિશ્ચયને અણુમાત્ર પણ ન્યૂન થવા દીધો નહિ. તેણે પુન: પોતાના મનમાં વિચાર કર્યો કે, “હવે તો મનમાં જે કાર્ય કરવાની ઇચ્છા થએલી છે, તે કાર્યનો આરંભ કરવો જ જોઈએ. કાર્યની ઉપેક્ષા ન કરવી. આ કાર્ય એવું છે કે, એની સિદ્ધિમાં કોણ જાણે કેટલા દિવસો લાગશે, એનો નિશ્ચય નથી. માટે એનો જેટલો જલ્દી પ્રયત્ન અને પ્રારંભ થાય, તેટલો તે વિશેષ સફળ થવાનો સંભવ છે.”

નિશ્ચયી પુરુષે પોતાના નિશ્ચિત કાર્યને કરવામાં કદાપિ વિલંબ કરતા નથી, એ નીતિતત્ત્વ ચાણક્યમાં સંપૂર્ણ રીતે વ્યાપેલું હતું. તે જ દિવસે રાત્રે ચાતુર્માસ્ય જેટલી કરવી જોઈતી સર્વ વ્યવસ્થા કરીને બીજે દિવસે ઉષઃકાળમાં કુલપતિ ચાણક્યય પોતાના પ્રિય શિષ્યોને આનંદપૂર્વક ભેટી તેમને આશીર્વાદ આપીને આશ્રમમાંથી નીકળી વિદેશમાં જવામાટે પ્રવાસને પંથે ચાલતો થયો.

ચંદ્રગુપ્ત દૃષ્ટિ પહોંચી શકી ત્યાં સુધી નિ:સ્તબ્ધતાથી ગુરુરાજને જોતો આશ્રમના દ્વારમાં ઉભો રહ્યો.