પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પ્રકરણ ૨ જું.
—₪₪₪₪—
પાટલિપુત્ર.

ત પ્રકરણોમાં પ્રસંગોપાત વાંચકોને મગધદેશની રાજધાની પાટલિપુત્ર નગરની થોડી ઘણી માહિતી મળી ચૂકી છે. પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં વાચકોને એ નગરનો પૂરેપૂરો પરિચય કરાવવાની અમારી મનોભાવના છે. આર્ય ચાણક્ય પોતાના આશ્રમમાંથી નીકળીને પાટલિપુત્રમાં આવી પહોંચે, તે પહેલાં વાચકોને એ શ્રી વિશાળ નગરીની જો પૂરેપૂરી માહિતી મળી જાય અને ત્યાંના નંદ નૃપતિનો પણ પરિચય થઈ જાય, તો એકંદર કથાનક સમજવામાં તેમને ઘણી જ સરળતા થવાનો સંભવ છે.

પાટલિપુત્રનું પુષ્પપુર એવું એક બીજું પણ નામ હતું. પરંતુ આપણે જે કાળનો ઇતિહાસ લખીએ છીએ, તે કાળમાં મગધદેશના એ મુખ્ય નગરનું પાટલિપુત્ર એ જ નામ સર્વ જનોના મુખમાં રમી રહ્યું હતું. કેટલાકોનો એવો અભિપ્રાય છે કે, રામાયણના સમયમાં એ જ નગરી કૌશામ્બી અથવા તે કુસુમપુરના નામથી વિખ્યાત હતી. ગમે તેમ હો, પણ એટલો સિદ્ધાન્ત તો નિશ્ચિત છે કે, આપણા કથાનકના કાળથી પહેલાંની જ એ નગરી પુરાણપ્રસિદ્ધ તો હતી જ, અને આપણે જે કાળના ઇતિહાસનો ઉલ્લેખ કરવા ધારેલો છે, તે કાળમાં તો સમસ્ત આર્યાવર્તમાં પાટલિપુત્ર જેવું મોટું અને વૈભવશાળી બીજું એક પણ નગર હતું નહિ. ત્યાંનો નંદરાજા અતિશય સમર્થ હોવાથી તેના કીર્તિકુસુમનો સુરભિ જ્યાં ત્યાં પ્રસરેલો જોવામાં આવતો હતો. હવે ખરી રીતે જોતાં એ નગરી એવી જ હતી કે, સાધારણ રીતે રાજાની કીર્તિ સાથે એની કીર્તિનો પણ પ્રસાર થએલો હતો, એનો આપણે વિચાર કરવાનો છે. રાજા ગમે તેવો હોય, પણ એ તો સત્યજ છે કે, માત્ર પાટલિપુત્ર નગર સર્વથા દિગંતવિશ્રુતકીર્તિ (જેની પૃથ્વીના પટમાં ચારે દિશામાં કીર્તિ છવાયલી હોય તે) એ વિશેષણને યોગ્ય હતું. એ નગરીની લંબાઇ પાંચ ગાઉની અને પહોળાઈ ત્રણ ગાઉની અંકાતી હતી. તે સમયમાં ગ્રીક લોકોએ એ નગરનું વર્ણન આપેલું છે, તે વાંચતાં એવી માહિતી મળે છે કે, એ નગરની આસપાસ ચારેતરફ એક જંગી ખાઈ ખોદેલી હતી અને તેના અંદરના ભાગમાં નગરને ઘેરી લેનારી એક લાકડાની ભીંત બાંધેલી હતી. એ લાકડાની ભીંતના અંદરના ભાગમાં વળી એક બીજો નગરના રક્ષણ માટેનો તેવો જ ઘેરાવાવાળો કોટ ચણી લેવામાં આવ્યો હતો. તે વેળાએ એ નગર ગંગા અને શેાણ એ બે નદીઓના