પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
પાટલિપુત્ર.

સંગમના મધ્ય ભાગમાં લાંબું ને લાંબું પ્રસરેલું હતું. એ નગરના નિવાસિજનોને પ્રાચ્યના નામથી ઓળખવામાં આવતા હતા. એ નગર ગંગા અને શોણ નદીના સંગમસ્થાને વસેલું હોવાથી વ્યાપાર અને ઉદ્યમનું એક મુખ્ય સ્થળ બની રહ્યું હતું. ઉપરાંત એ રાજધાનીનું નગર હોવાથી સર્વ પ્રકારના કળાકુશળ અને ગુણી લોકો પણ ત્યાં આવતા જ રહેતા. જે કોઈ પણ મનુષ્યને પોતાના ગુણના બળથી રાજાશ્રય મેળવવાની મહત્ત્વાકાંક્ષા હોય, તે પાટલિપુત્રની દિશામાં પ્રવાસ કરવાનો જ, એ નિશ્ચિત હતું. પાટલિપુત્ર વૈદિક ધર્મનું અગ્રસ્થાન હતું. નાના પ્રકારના યજ્ઞ અને બીજા હવ્યકવ્યો ત્યાં નિયમિત રીતે થતાં રહેતાં હતાં. યજ્ઞધર્મનો અતિ પ્રસાર થવાથી તેમાં બલિદાન અપાતાં. પશુઓની દુર્દશા દેખીને સધૃણ હૃદય બુદ્ધિદેવે પ્રચલિત કરેલા અહિંસા ધર્મના પ્રસારકો પણ પાટલિપુત્રમાં ક્યાંક ક્યાંક પોતાના ધર્મ પ્રસારના કાર્યમાં મચેલા જોવામાં આવતા હતા અને તેમને તેમના કાર્યમાં થોડી ઘણી સફળતા પણ મળતી ચાલી હતી; પરંતુ એ તેમના અહિંસા ધર્મના પ્રસારનું કાર્ય થોડે ઘણે અંશે ગુપ્ત રીતે જ ચાલતું હતું. કારણ કે, વૈદિક ધર્મને રાજાશ્રય ધણો જ બલવાન્ હોવાથી એ બિચારા નિરાધાર બુદ્ધ યતિઓને પોતાના ધર્મ કાર્યને આગળ વધારવાનાં જોઈએ તેટલાં અને તેવાં સાધનો મળી શકતાં નહોતાં. વિરુદ્ધ પક્ષ કવચિત્ કવચિત્ તેમની એ ધર્મ સંબંધી ખટ૫ટોની રાજાના આશ્રિત પુરોહિતોને ખબર પડતાં જ તેમના પર જુલમ પણ થતો હતો, એવાં કેટલાંક વર્ણનો મળી આવે છે. હાલ તો આપણે પાટલિપુત્રનું એક બીજા જ પ્રકારનું વર્ણન આપવાના છીએ.

પાટલિપુત્રમાં અર્થાત સમસ્ત મગધસામ્રાજ્યમાં એ વેળાએ નંદ રાજાનો વંશજ ધનાનન્દ ઉર્ફ હિરણ્યગુપ્ત રાજા તરીકે સત્તા ચલાવતો હતો, એ વાંચકો જાણી ચૂક્યા છે, એ રાજા ઘણો જ દાતા, શુરવીર અને મહાન ગુણગ્રાહી છે, એવો કેટલાક દૂર દૂરના દેશોના લોકોનો જોકે અભિપ્રાય હતો, તો પણ ખરી રીતે જોતાં તે તેવો જ હતો, એ નિશ્ચયપૂર્વક માનવા માટે આપણી પાસે કશું પણ પ્રમાણ નથી. તે હૃદયનો ઘણો જ ક્ષીણ, કોઈ પણ વિષયમાં નિશ્ચય વિનાનો અને દુર્વ્યસની પણ હતો. દૂરના પ્રદેશોમાં તેની કીર્તિ ગમે તેટલી પ્રસરેલી હોય, છતાં પણ પાસે વસનારા લોકોને તો તે બિલકુલ જ ગમતો નહોતો. પ્રાચીન કાળમાં શું કે આજે શું રાજા એટલે પરમેશ્વરનો અવતાર જ, એવી સાધારણ લોકોની દૃઢ ભાવના છે, અને તે કાળમાં તો એ ભાવના વધારે મજબૂત હોવાથી રાજા ગમે તેવો દુર્ગુણી હોય, તો પણ તેને શિરસાવંદ્ય માનવામાં લોકો