પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

સારાસારનો જરા પણ વિચાર કરતા નહોતા. ધનાનન્દની દશા પણ એક દુર્ગુણી રાજાના જેવી જ હતી. એ રાજા બધી બાબતોનો નિકાલ પોતાના આસપાસના લોકોની સંમતિથી જ કરતો હતો. હીન બુદ્ધિના રાજાઓ પાસે કેવા પ્રકારના લોકો હોય છે, એ વાંચકોએ પ્રત્યક્ષ જોયા ન હોય તો તેમના વિશે કાંઈક પણ સાંભળ્યું તો હશે જ. રાજાની આસપાસ બધા વ્યસની અને લફંગા લોકો જ ભેગા થયેલા હોવાથી અને રાજાની પ્રીતિ મેળવવા માટે તેઓ ગમે તેવું ભૂંડું કામ કરવામાં અચકાતા ન હોવાથી રાજા રાજાને ઠેકાણે રહી જાય છે અને ખરા રાજાઓ એ ખુશામદીયા જ બની જાયછે. કોઈ પણ બાબતમાં જેને પોતાનો મતલબ સાધવાનો હોય, તો રાજાને તે પ્રમાણે ઉપદેશ આપીને તેની મરજીથી જ પોતાના કાર્યને તેઓ સાધી લે છે. રાજા ઉપર પોતાનું વજન હોવા છતાં પણ તેને તેવો ભાસ તેઓ થવા નથી દેતા અને પોતાના વજન અને દાબને તેના મનપર કાયમ જ રાખે છે. રાજા માત્ર મનમાં જ સમજતો હોય છે કે, “હું સારું કે નઠારું ગમે તે કરવાને મુખત્યાર છું.” પરંતુ તે બિચારાને ખરા મુખત્યારો કોણ છે અને તે પોતાની મુખત્યારી કેવી રીતે ચલાવે છે, એની કલ્પના માત્ર પણ હોતી નથી. ધનાનન્દની સ્થિતિ પણ એવી જ હતી. તેના જે જે ખાસ ખુશામદિયા પરિચારકો હતા, તેઓ પોતાની ઇચ્છામાં આવે, તે પ્રમાણે ગમે તે કૃત્યો રાજાના હાથે કરાવતા જતા હતા; અને રાજા માત્ર પોતાના મનમાં આવે તે પ્રમાણે હું બધું કરું છું, એવા વિચારથી પોતાના મનનું સમાધાન કરીને તેમાં જ અભિમાન માનતો હતો.

ધનાનન્દની સ્થિતિ એવી હોવાથી રાજ્યનું ગાડું ચલાવવામાં અમાત્ય (પ્રધાન) આદિ અધિકારી જનોને ઘણો જ શ્રમ વેઠવો પડતો હતો. તોપણ કેટલાક અમાત્યો પોતાની રાજકુળમાં રહેલી નિષ્ઠાને લીધે પોતપોતાનાં કર્તવ્યો એકનિષ્ઠાથી કરીને જેમ તેમ દિવસો વીતાડતા જતા હતા. એ સમસ્ત અમાત્યોમાં રાજકુળમાં સર્વે કરતાં અધિક નિષ્ઠા રાખનારો અને રાજાના હિતમાટે પ્રાણ પાથરનારો એક રાક્ષસ નામનો પોતાના નામથી સર્વથા ભિન્ન સ્વભાવનો મુખ્ય અમાત્ય હતો. એનું રાજા૫ર પણ ઘણું જ સારું વજન પડતું હતું. બીજાઓના સંબંધમાં રાજા ગમે તેમ વર્તતો હતો, પરંતુ રાક્ષસના વિષયમાં કોઈવાર પણ તેણે આડી ચાલ ચલાવી નહોતી. બીજા કોઈએ ગમે તેવી સલાહ આપી હોય, પણ રાક્ષસનો જો તેથી વિરુદ્ધ અભિપ્રાય પડ્યો, તો બીજાનું કાંઈ પણ ન સાંભળતાં તે રાક્ષસના મત પ્રમાણે જ કાર્યની વ્યવસ્થા કરતો હતો. ધનાનન્દના માંડલિક રાજાઓમાંના કેટલાકના મનમાં કોઈ પ્રસંગે પોતે જ