પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પ્રજાજનો તો અસંખ્ય હતા જ, પરંતુ તે ઉપરાંત ભગવાન સદ્ધાર્થે પ્રચલિત કરેલા અહિંસાધર્મના અનુયાયીજનો પણ થોડાઘણા પ્રમાણમાં ત્યાં વસતા હતા; વળી યવન, મલેચ્છ, બર્બર, હુણ, કિરાત, શષ્ક, ચીન, ગાંધાર, ખાસ, પારસિક અને કાબુલી ઇત્યાદિ લોકો પણ ત્યાં વ્યાપાર આદિના નિમિત્તથી આવીને નિવાસ કરી રહેલા હતા. એ મગધનગરી સંપત્તિવડે પણ સર્વદા ભરેલી હતી; તેમ જ સુંદર સુંદર ભવનો અને મંદિરો, ઉપવનો તથા અનેકવિધ શાળાઓથી પણ એની શોભામાં સારો વધારો થએલો હતો. સર્વ માર્ગો એવા વિવિધ મંદિરોથી શૃંગારેલા હોવાથી જ્યાં ત્યાં એ નગરીનું સ્વરૂપ મનને વેધી નાખનારું જ દેખાતું હતું. ધનાનન્દનું રાજમહાલય તો જાણે ઐશ્વર્ય અને સૌન્દર્યના ભંડારરૂપ જ હતું, એમ કહેવામાં અતિશયોક્તિ જેવું કાંઈપણ નથી. સમગ્ર આર્યવર્તમાં જેટલી જેટલી સુંદર વસ્તુઓ મળી શકતી હતી, તે સર્વનો એ રાજમહાલયમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. આર્યાવર્તના ભિન્ન ભિન્ન ભાગોમાં વસનારા ઉત્તમ કારીગરોને બોલાવીને રાજાએ એ વસ્તુઓ બનાવરાવી હશે એવું અનુમાન થઈ શકે છે. સારાંશ કે, તે સમયમાં જેટલી જેટલી ઉચ્ચ કળાઓ માનવામાં આવતી હતી. તે સર્વને ઉપયોગમાં લાવીને ધનાનન્દે અને તેના પૂર્વજોએ એ શ્રીવિહાર નામનું પોતાનું રાજમહાલય બંધાવેલું હતું. રાજસભામાંનું રહસ્ય ગમે તેવું હોય, પરંતુ નગરનું બાહ્ય સ્વરૂપ ઘણું જ સુંદર થએલું હતું, એમાં તો કશી પણ શંકા નથી.

જે પ્રમાણે નગરીની વ્યવસ્થા હતી, તે જ પ્રમાણે રાજાના સૈન્યની પણ વ્યવસ્થા હતી. રાજા બીજા વિષયોમાં ગમે તેમ વર્તતો હતો, છતાં પણ તેણે સેનાપતિના અધિકારમાં કોઈવેળાએ પણ વચ્ચે પડવાનો પ્રયત્ન કર્યો નહોતો. રાજ્યકાર્યભારમાં જેવી રીતે રાક્ષસને, તેવી જ રીતે સૈન્યની વ્યવસ્થાના કાર્યમાં પોતાના સેનાપતિને જાણે તેણે સ્વતંત્ર અધિકાર જ આપી દીધા હોયને ! એવો ભાસ થતો હતો. એ બે વાતો જો ન હોત તો ધનાનન્દ આટલાં વર્ષો સુધી પાટલિપુત્રના પવિત્ર સિંહાસને બેસી પણ શક્યો ન હોત – એમ કહેવામાં કાંઈ પણ સંશય જેવું નથી જ.

અહીં સુધી પાટલિપુત્ર નગરનું અંતર્બાહ્ય વર્ણન થયું. હવે તેના સૌન્દર્યનું અથવા તો તેના સૌન્દર્યના કારણીભૂત અનેક વન ઉપવનોનું વર્ણન કરવા કરતાં આપણા કથાનકમાં વિશેષતઃ આવનારા એક પાત્ર સાથે વાચકોને પરિચય કરાવવો, એ વધારે સારું અને યોગ્ય છે.

પૂર્ણ સંધ્યાનો સમય થએલેા હતો. પુષ્પપુરી જેવી એક વિશાળ નગરીમાં એ વેળાએ મોટી ધામધૂમ હોય, તો તે સ્વાભાવિક છે. નગરીના