પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
પાટલિપુત્ર.

જુદા જુદા મોટા બજારો તો માણસોની ભીડથી ઉભરાઈ જવા લાગ્યા હતા. કેટલાક ભાવિક આર્યો દીપોત્સવથી પોતાની દુકાનોને સુશોભિત કરવામાં અને દીપજ્વલન થયા પછી કાયા વાચા મનથી તે દીપદેવતાને નમસ્કાર કરવાના કાર્યમાં ગુંથાયલા દૃષ્ટિગોચર થતા હતા. સંધ્યાકાળના સમયે ખાસ કરીને ખપનારી અયશ આરામની ચીજો વેચનારા દુકાનદારો તો વધારે ધાંધલમાં પડેલા જોવામાં આવતા હતા. એ સાયંકાળે પાટલિપુત્રના પુષ્પવીથિકા નામના માર્ગમાં માળાકાર (કૂલના હારો વેચનાર) ની દુકાને ગ્રાહકોની ઘણી જ ભીડ જામી હતી. જયાં ત્યાં નાગરિકો પુષ્પો લઈને જતા આવતા હતા - પ્રત્યેક દુકાને એવી જ ગિરદી હતી અને દીપાવલીના દિવસેામાં જેવી રીતે દીપોત્સવ કરવામાં આવે છે, તેવી જ રીતે સમસ્ત નગરમાં દીપોત્સવ થએલો સ્પષ્ટ દેખાતો હતો. એક પુષ્પવીથિકા વિના બીજા બજારોમાં એટલો બધો આપવા લેવાનો વ્યવહાર ચાલતો ન હોતો. પ્રત્યેક પ્રાસાદ (મોટાં ઘરો) માં નીચેથી તે ઠેઠ ઉપરના મજલા સુધી દીપોની પંક્તિઓ ગોઠવેલી હતી અને બારીઓમાં સ્ત્રીપુરુષો ઉભાં રહેલાં જોવામાં આવતાં હતાં – અર્થાત્ આજે નગરના જૂદા જૂદા બજારોમાંથી કોઈ પણ મહાન્ મંગલ સમારંભ પસાર થવાનો હશે જ, એવું સ્પષ્ટ અનુમાન કરી શકાતું હતું. એ સમારંભની શોભાને નિહાળવા માટે પ્રત્યેક સ્ત્રી- પુરુષ અતિશય ઉત્સુક થએલાં હતાં; અને પ્રત્યેક વાતાયન (બારી) માં ઊભેલા યુવક યુવતીઓની અને માર્ગમાં હારબંધ ઊભા રહેલા બીજા જનોની દૃષ્ટિ એક જ દિશામાં લાગેલી હોય, એવો પ્રકાર દેખાતો હતો. આ બધો પ્રકાર શો છે, એ જાણવાની હવે વાંચકોને જિજ્ઞાસા થએલી હશે; પરંતુ તે જિજ્ઞાસા થોડા જ સમયમાં પૂરી થશે. હાલ તો પાટલિપુત્રના પ્રેક્ષકો પ્રમાણે વાંચકોએ પણ ધૈર્ય ધારવું જોઈએ. કોઈ પણ એવા એક મહાન્ સમારંભની વેળાએ અનેક પ્રકારના લોકોના અનેક પ્રકારના તર્કો થતાં અને કેટલીક ખેાટી ગપ્પો ઉડતાં પ્રેક્ષકોની તે સમારંભને જોવાની ઉત્સુકતા ઘણી જ વધી જાય છે. પરંતુ પળવાર પછી તે ગપ્પની અસત્યતા પ્રકટ થતાં તેમની આશાનો ભંગ થઈ જાય છે. તેવી જ રીતે આ સમારંભને જોવા માટે ઉત્સુક થએલા પ્રેક્ષકોના સમુદાયમાં પણ કાંઈક પ્રકાર ચાલતો હોય, તેવો ભાસ થતો હતો. કાંઈ પણ કોલાહલ થતાં લોકો એકદિશામાં દોડવા માંડતા હતા, પોતાના પગોપર ઉંચા થઈ થઈને દૂરના પદાર્થોને જોવાનો પણ યત્ન કરતા હતા અને છતાં કાંઈ પણ જોવામાં આવે નહિ, એટલે કોલાહલ કરનાર અજ્ઞાત મનુષ્યને મનમાં ને મનમાં ગાળો આપતા હતા. બધી જગ્યાએ એવી વિચિત્ર ધામધૂમ ચાલી રહેલી જોવામાં આવતી હતી.