પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

ધીમે ધીમે સમસ્ત નગર નખથી શિખા પર્યન્ત દીપોત્સવથી પ્રજ્વલિત થએલું દેખાવા લાગ્યું. ઊપર કહેલું જ છે કે, એ નગર તે વેળાએ ગંગા અને શોણ એ બે નદીઓના સંગમના મધ્ય ભાગમાં વસેલું હતું. અર્થાત્ એ નગરની બંને બાજુએ સવેગ જળના પ્રચંડ પ્રવાહો વહેતા હોવાથી એ દીપોના પ્રતિબિંબ તે નદીપ્રવાહમાં પડવાથી જાણે નગરીની પ્રજાનો નગરીમાં સમાવેશ ન થઈ શકવાથી તે તપ્તસુવર્ણ પ્રમાણે પ્રવાહી રૂપથી સમસ્ત નગરને ઘેરીને ઊભી રહેલી હેાયની ! એવો ભાસ થતો હતો. અસ્તુ. ઘણા વખત પછી નગરથી પણ એક દૂરના ભાગમાંથી અનેક વિધ વાદ્યોનો ધ્વનિ આવતો સંભળાયો. તેથી નગરને છેડે બેઠેલા પ્રેક્ષકોનું ધૈર્ય ન રહેતાં તેઓ તે ધ્વનિ આવતો હતો, તે દિશામાં કોઇ એક પાણીના પ્રચંડ પ્રવાહ પ્રમાણે ગમન કરવા લાગ્યા. જેને તેને એ જ ઉત્સુકતા હતી કે, “એ સમારંભ પ્રથમ મારી દૃષ્ટિએ પડે.” ક્ષણે ક્ષણે ઢોલ નગારાં અને તાસાંનો ધ્વનિ વધારે અને વધારે ખુલ્લી રીતે સંભળાવા લાગ્યો. એથી પ્રેક્ષકોના મનના કૌતુકની પણ વધારે અને વધારે વૃદ્ધિ થવાથી તેમનાં મુખમાંથી આનંદના ઉદ્દગારો બહાર નીકળવા લાગ્યા. વાજિંત્રોનો ધમધમાટ હવે એકદમ પાસે આવી પહોંચ્યો. અંતે મગધદેશના એક મોટા હાથીપરની વિજયધ્વજા લોકોને દેખાવા લાગી. તેની પાછળ અનેક વાદ્યો, કેટલાંક હાથીએાપર, કેટલાંક ઊંટોપર, કેટલાંક ઘોડાઓની પીઠે અને કેટલાંક પગે ચાલતા ઢાઢીએાની છાતી અને હાથમાં હોઇને તે સર્વનો એક સમયાવચ્છેદે ઘોષ થતો સાંભળવામાં આવતો હતો. એ વાદ્યો સો સવાસો જાતિનાં હતાં અને તેમની પાછળ પાયદળ સૈન્ય, તેની પાછળ અશ્વારૂઢ (ઘોડેસ્વાર) સૈન્ય અને તેની પૂઠે કેટલુંક ગજારૂઢ (હાથી પર બેઠેલું) સૈન્ય ચાલતું હતું. ગજારૂઢ સૈન્યની સમાપ્તિ થતાં તેની પાછળ એક મોટો ગજરાજ ધીમે ધીમે ચાલતો દેખાયો. એની પીઠપર બાંધેલી હીરા માણેકથી જડેલી સોનાની અંબાડીમાં ધનાનન્દ રાજાનો યુવરાજ પાટવી કુમાર બેઠેલો હતો, અને તેના સમક્ષ એક અવગુંઠનવતી કન્યકા પણ બેઠેલી હતી. પોતે ઉછાળેલાં પુષ્પો યુવરાજના શરીરપર પડવાં જ જોઇએ, એવા હેતુથી પુષ્પોનું સિંચન કરવાને જ એકઠા થએલા પ્રેક્ષકોમાં એટલી બધી ગડબડ થએલી હતી કે, પોતાનાં પુષ્પો ઊપર સુધી પહોંચશે કેવી રીતે, એનો વિચાર માત્ર પણ તેમને થયો નહિ હોય, એમ તેમની લીલાને જોઇ નિ:શંક જાણી શકાતું હતું. અહીંથી એ સમારંભ જે આગળ વધ્યો તે, એટલો તો ધીમે ધીમે ચાલ્યો કે, પાટલિપુત્રના અંતર્ભાગમાં પ્રવેશ કરીને તેને રાજમાર્ગમાં આવતાં બરાબર એક પ્રહર જેટલો સમય વીતી ગયો.