પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
મુરાદેવી.


બે અઢી પ્રહરથી પ્રેક્ષકોએ ઊભા રહેવાનો શ્રમ વેઠ્યો હતો અને તેથી જો તેમના પગમાં લોહી ઊતરવા માંડે તો તે સ્વાભાવિક હતું. પરંતુ આનંદની ઉત્સુકતા એક એવી વસ્તુ છે કે, તેમાં શ્રમ પણ વિશ્રાંતિ સમાન દેખાય છે. જેમ જેમ એ સમારંભ આગળ ચાલતા જતા હતા, તેમ તેમ લોકો પણ તેની સાથે જ આગળ વધતા જતા હતા.

—₪₪₪₪—


પ્રકરણ ૩ જું.
—₪₪₪₪—
મુરાદેવી.

મહાન સમારંભ ઘણા જ ઠાઠમાઠથી પાટલિપુત્રની પાસે આવી પહોંચતાં જ લોકોના મુખમાંથી આનંદના ઉદ્દગારો એટલા તો જોરથી નીકળવા લાગ્યા કે, સમસ્ત નગરમાં સર્વત્ર માત્ર આનંદના ઘોષની જ ગર્જના થતી જોવામાં આવી. રાજા વિશે પ્રજાનું મન તેનાં કેટલાંક કુકૃત્યોને લીધે ગમે તેટલું કલુષિત થએલું હોય, તો પણ મોટા મોટા ઉત્સવોના પ્રસંગે આવતાં પ્રજાજનો રાજાવિશેના તે પોતાના દુરાગ્રહને સર્વથા ભૂલી જાય છે અને તે ઉત્સવના આનંદમાં તલ્લીન બની જાય છે. મનુષ્ય માત્ર ઉત્સવને ચાહનાર હોય છે અને તેમાં પણ જે હાલના જેવો કોઈ મહોત્સવ હોય, તો તો પૂછવું જ નહિ. ધનાનન્દના સેનાપતિએ હરાવેલા એક દૂરના રાજાની એક રૂપગુણસંપન્ન કન્યાથી વિવાહ સંબંધ સાંધી, પોતાની તે નવવધૂને સાથે લઈ નગરપ્રવેશ કરતા પોતાના યુવરાજને આદર આપવા માટે થનારા મહોત્સવ કરતાં સાધારણ જનસમાજને વિશેષ આનંદ આપનાર એવો બીજો કયો મહોત્સવ હોઈ શકે વારુ ? રાજાવિશેનો પોતાનો દુરાગ્રહ તો શું, પરંતુ સર્વજનો પોતાના શત્રુ સંબંધી દુરાગ્રહને પણ એ વેળાએ વિસરી ગએલા હોવા જોઇએ, એવો સ્પષ્ટ ભાસ થતો હતો. સમસ્ત જનોનાં નેત્ર અને કર્ણ કેવળ યુવરાજના સ્વાગત સમારંભમાં જ લાગી રહેલાં હતાં. માર્ગમાં ભીડ એટલી બધી થએલી હતી કે, બીજું કોઇ મનુષ્ય પ્રાણી તો શું, પણ એક કીટિકા પણ તેમાં પ્રવેશ કરી શકશે કે નહિ, એની પણ શંકા હતી. એ રાજ્યમાં-નિદાન એ નગરીમાં તો એ વેળાએ એવું એક પણ મનુષ્ય નહિ હોય કે, જેના મનમાં એ મહોત્સવથી આનંદ થયો નહિ હોય. જે જે માર્ગમાંથી તે યુવરાજ સમારંભપૂર્વક જવાનો હતો, તે તે માર્ગમાં બન્ને બાજુએ પ્રેક્ષકોની અત્યંત ભીડ તો થએલી જ હતી, પરંતુ ચગદાઈ જવા માટે એ ભીડમાં ન આવતાં પોતપોતાના ઘરનાં છાપરાં