પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

ઉપર અને ઘરની બારીઓમાં ઊભેલી પાટલિપુત્રની સર્વાંગસુંદર સુંદરીઓનાં સુંદર આંખો અને સુંદર હસ્તાંજલિઓ યુવરાજના અંગપર કટાક્ષોની અને કુસુમની વૃષ્ટિ કરવા માટે અત્યંત ઉત્સુક થએલી દેખાતી હતી. વચવચમાંથી નજરચૂકને લીધે કોઇ સુંદરીના હાથમાંનું પુષ્પ નીચે એકઠા થએલા લોકોમાંના કોઇના શરીરપર પડતાં તે અતિશય હર્ષિત થઇને ઉપર નજર કરતો હતો અને તેની પાસે ઉભેલો તેનો મિત્રસમાજ વિનોદથી તેને યુવરાજની પદવી આપીને ધન્ય ધન્યની વૃષ્ટિ વર્ષાવતો હતો અને જે સુંદરીના હસ્તમાંથી તે સુમન પડેલું હોય, તે સુંદરીને તે વારંવાર જોયા કરતો હતો, અર્થાત્ તે લજજાવતી લલના લજિજત થઈને લપાઈ જતી હતી. સારાંશ કે જ્યાં દૃષ્ટિ પડે ત્યાં એ દિવસે એક હર્ષ, હર્ષ ને હર્ષવિના બીજો કોઇ પણ વિષય દૃષ્ટિગોચર થતો ન હતો. પાટલિપુત્રના માર્ગોમાં વિનોદના અનેક પ્રકારો ચાલૂ હતા - શોકને તો હાલ તરત થોડા વખતને માટે ખાસ દેશવટો જ આપવામાં આવ્યો હતો - સર્વત્ર આનંદની જ છાયા પ્રસરેલી હતી.

સમારંભ પાટલિપુત્રને સીમાડે આવ્યો. ત્યાં આવતાં જ સર્વ વાદ્યોનો અધિક ઘોષ થવા માંડ્યો. અમુક એક પ્રકારના વાદ્યની એમાં ન્યૂનતા હતી, એમ તો હતું જ નહિ. યશોદુંદુભિ અને ભેરીએ સમારંભના મુખ ભાગને ગર્જાવી મૂક્યો હતો. એકનો શબ્દ બીજા મનુષ્યના સાંભળવામાં આવતો નહોતો. સમારંભે સીમામાં પ્રવેશ કરતાં જ યુવરાજે અને નવવધૂએ નગરપ્રવેશ કરવા પહેલાં વાદ્યોનો જે જયધોષ થયો, તે ઘોષની સાથે જ પાપી જનોની દૃષ્ટિથી વધૂવરનું રક્ષણ થવા માટે કેટલાંક પાડા આદિ પશુઓનાં બળિદાન આપવામાં આવ્યાં, અને તેમના રક્તનો પ્રવાહ નગરનાં દ્વાર પાસેથી વહી નીકળ્યો. યુવરાજ અને તેની અર્ધાંગનાનો નગરમાં પ્રવેશ થયા પછી, તે સમારંભ રાજમાર્ગમાં એક સરખો પરંતુ ધીમે ધીમે રાજમહાલયની દિશામાં આગળ વધવા લાગ્યો. એ વેળાએ બન્ને બાજૂએ આવેલાં પોતપોતાનાં ગૃહની બારીઓમાં ઊભેલી યુવતીઓનાં નેત્રકટાક્ષો, પુષ્પ અને લજજાની તે વધૂવરના શરીરપર એક સરખી વૃષ્ટિ થતી ચાલી હતી. એમાંનાં કેટલાંક પુષ્પ પુષ્પાંજલિ નાખનારી નારીઓનાં આનંદાશ્રુથી ભીંજાયેલાં પણ પડતાં હતાં. પુષ્પાંજલિ સાથે કેટલીક તરુણીઓનાં મુખમાંથી નીકળતા ધન્યોદ્ગાર અને પ્રૌઢાઓનાં મુખમાંથી નીકળતાં આશીર્વચનો પણ તે વધૂવરના કર્ણદ્વારમાં પ્રવેશ કરતાં હતાં. એવી મહતી ધામધૂમથી તે સમારંભ રાજદ્રારપર્યન્ત આવી લાગ્યો, અને ત્યાં જાણે આનંદના સમગ્ર માર્ગોનું સંમેલન થએલું હોયની, તેવી રીતે નાનાપ્રકારથી રાજપુત્રનાં અભિનંદનોનો પ્રારંભ કરવામાં આવ્યો.