પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
મુરાદેવી.

એ સર્વ આનંદનો મહેાત્સવ ચાલતો હતો અને નાનાથી મોટાં સર્વે સ્ત્રીપુરુષો અનન્ય ચિત્તે રાજપુત્રનો સત્કાર કરતાં હતાં, એ ખરું; પરંતુ પ્રત્યેક નિયમનો એક અપવાદ તો હોય છે જ, એ નિયમ પ્રમાણે એ નિયમનો પણ એક અપવાદ હતો. રાજમંદિરમાં રહેતી એક રમણી માત્ર આનંદ–અશ્રુને સ્થાને દુ:ખનાં અશ્રુ ગાળતી હતી. કદાચિત્ એમ પણ કહી શકાય ખરું કે, એ દુ:ખાયુમાં થોડો ઘણો ક્રોધનો પણ અંશ હતો. અંત:પુરમાંની નાની મોટી સર્વ સ્ત્રીઓ ઉત્સવને ઊજવવા માટે અંતઃપુરના અગ્ર ભાગમાં આવી સમારંભ નિહાળી આનંદનો ઉપભેાગ લેતી હતી. પરંતુ એ એક જ અબળા અંતઃપુરના પોતાના એકાંત નિવાસસ્થાનમાંના એક ખૂણામાં બેસી ડુસકે ડુસકે રડીને શોક કરતી હતી. તેના મનનું સમાધાન કરવાને માત્ર એક પ્રૌઢ વયની દાસી તેની પાસે બેઠેલી હતી. તે તેના ચિત્તને શાંત કરવાનો પ્રયત્ન કરતી હતી અને આનો શોક વધારે ને વધારે વધતો ચાલ્યો હતો. એ શોકનું કારણ શું હશે ? સમસ્ત પુષ્પપુરીમાં મનુષ્ય માત્ર યુવરાજના વિવાહ માટે આનંદોત્સવ કરતાં હતાં અને એ એકલી જ અબળા એટલા બધા વિલક્ષણ શોકમાં શા માટે પડેલી હશે ? એવો જિજ્ઞાસાયુક્ત પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણા હૃદયમાં ઉદ્દભવવાનો સંભવ છે. આખું નગર એક બાજૂ અને એ એક જ અબળા બીજી બાજૂ, એવી એ વિલક્ષણ સ્થિતિ થવાનું ખરેખર કોઈ પણ મહાન બલવાન કારણ હોવું જોઇએ, એ ખુલ્લું જ છે. એ સુંદરીના એ વેળાના શોકોદ્ગાર અને તેના મનનું સમાધાન કરનારી બીજી પ્રૌઢા નારીનું ભાષણ જો આપણે સાંભળીશું, તો એ કારણને સહજમાં જ સમજી શકીશું. શોક કરનારી સુંદર સ્ત્રી શુમારે ત્રીસ પાંત્રીસ વર્ષની હશે, તે ઘણી જ સ્વરૂપવતી હતી, એ તો સ્પષ્ટ જ દેખાતું હતું. બીજા સર્વ જનોએ મહોત્સવના પ્રસંગને ઉચિત એવાં વસ્ત્રો પરિધાન કરેલાં હતાં, પરંતુ એ પ્રમદાએ તે માત્ર એક જ શ્વેત વસ્ત્રથી પોતાના શરીરને આચ્છાદિત કરેલું હતું. એના કેશો છૂટા થઈ ગયા હતા, અને તેમાંના કેટલાક નેત્રો પર, કેટલાક કંધ ભાગે અને બાકીના સર્વે પૃષ્ઠ ભાગે એવી રીતે અસ્તવ્યસ્ત સ્થિતિમાં પડેલા હતા. શોકની આકુલતાથી અનેકવાર ભૂમિપર માથું પછાડેલું હોવાથી તેનો કપાલપ્રદેશ ધૂળથી ભરાઈ ગએલો દેખાતો હતો. બીજી સ્ત્રીએ તેની એવી સ્થિતિ જોઇને કાંઈક શાંતિકારક શબ્દનો ઉચ્ચાર કર્યો. તે સાંભળીને ક્રોધિષ્ટ કામિની તેને કહેવા લાગી કે:–

“વૃંદમાલે! તું કરે છે તે સમાધાન ઠીક છે; પણ જે મહોત્સવ મારા પુત્ર માટે થવો જોઈએ, તે બીજીના પુત્ર માટે થએલો જોઇને મારા અંતઃકરણની