પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

કેવી સ્થિતિ થઈ હશે, એની કલ્પના તને તે ક્યાંથી હોઇ શકે વારુ? હું રાજકન્યા છતાં આ અંત:પુરમાં મારી દાસીની પણ દાસી જેવી દશા કરી નાખવામાં આવી છે. હું કિરાત રાજાની રાજપુત્રી, મારા પિતાનાં રાજ્ય પર આક્રમણ કરીને સેનાપતિએ મારું હરણ કર્યું અને મને રાજાનાં ચરણમાં અર્પણ કરી. રાજાએ મારી સાથે ગાંધર્વવિવાહ કર્યો અને મેં એક પુત્રને જન્મ આપ્યો. એ સમસ્ત પ્રકાર થઈ ગયા પછી કેવળ દ્વેષથી જ બીજી રાજરાણીઓએ મારા માટે કુભાંડ રચીને મને વૃષલી ઠરાવી, અને મારા પુત્રને યુવરાજપદ અપાવવાનો હું પ્રયત્ન કરીશ, એમ જાણી તેના જન્મ વિશે નવી નવી શંકાઓ ઉઠાવી તે શંખીનીએાએ અંતે મારા પુત્રનો ઘાત કરાવ્યો. એ બનાવને વર્ષો થઈ ગયાં છતાં પણ હું ભૂલી શકી નથી. મારા અંતઃકરણમાં મેં જે વૈરાગ્નિને ભડકેલો જ રાખ્યો છે, તે આવી વેળાએ પોતાની જ્વાળાને બહાર કાઢે, તો તેમાં આશ્ચર્ય જેવું કાંઈ પણ નથી. મને વૃષલીના નામથી બોલાવનારી પોતાના પુત્રને યુવરાજપદવી અપાવીને મહોત્સવથી આજે મલકાય અને મારા જેવી એક સત્ય અધિકારિણી ધૂળમાં રગદોળાય? મારાથી બીજું શું થઈ શકે એમ હતું? મારા પિતા મૌર્યવંશીય કિરાત રાજા ત્યાંથી યવનોએ અને અહીંથી હિરણ્યગુપ્ત છળ કરવાથી તે સેનાપતિને શરણે આવ્યા. એનો લાભ લઈ મારું હરણ કરીને મને વૃષલી અને મારા પુત્રને વૃષલીપુત્ર નામ આપ્યું ! એટલું જ નહિ પણ તેના જન્મ વિશે અસત્ય શંકાઓ કાઢીને મારા નામ અને કુળને કલંક લગાવ્યો !! મારા સંતાન અને મારો વિયોગ કરાવીને તે નિર્દોષ બાળકનો દુષ્ટોએ ઘાત કરાવ્યો ! વૃંદમાલે, એ સઘળા હૃદયને ફાડી નાખનારા બનાવોની મારા ચિત્તમાંથી વિસ્મૃતિ થશે ? ના. જો મારા હૃદયને જ બહાર કાઢી તોડી ફોડી બાળીને ખાક કરી દેવામાં આવે, તો કદાચિત્ એનું વિસ્મરણ થાય તો થાય. બાકી જ્યાં સુધી આ હૃદયનું અસ્તિત્ત્વ છે, ત્યાં સુધી તો કોઈ કાળે પણ હું એ બનાવોને ભૂલી શકનાર નથી જ !!!”

એમ બોલીને એ સ્ત્રી વિશેષ અને વિશેષ શોક કરવા લાગી અને કોપના આવેશમાં રાજાને અને યુવરાજને અશુભ શાપ પણ આપવા લાગી. તેથી તે બીજી સ્ત્રી વારંવાર તેના મનનું સમાધાન કરતી તેને કહેવા લાગી કે “દેવી! તું કહે છે, તે બધી વાત ખરી. પરંતુ થોડો વિચાર કર. આજના આ તારા કોપની વાત જો કોઇ રાજાને જઈને કહી સંભળાવે, તો પ્રસંગ કેવો વિકટ આવે ? તારા ઉપર કેટલો બધો અત્યાચાર થાય વારુ? કાંઇક વિચાર કર. રાજાના મનમાં કાંઈ પણ ઊંધું ચતું આવશે, તો પહેલાં પ્રમાણે પાછો તે તને કારાગૃહમાં મોકલાવશે અને દુઃખોની