પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
મુરાદેવી.

વૃષ્ટિ વર્ષાવશે, આ મહોત્સવ પ્રસંગે જો તું તારા મનોવિકારને દબાવી નહિ રાખે અને આ વાત રાજાના સાંભળવામાં આવશે, તો ખરેખર રાજા તને ક્ષણમાત્ર પણ ક્ષમા કરનાર નથી. રાજાની કૃપા અને અવકૃપા માત્ર યત્કિંચિત્ કારણોપર જ આધાર રાખે છે. કૃપા થવાને જેમ કોઈપણ જેવું તેવું કારણ પૂર્ણ થાય છે, તેમ જ અવકૃપા માટે પણ તેટલું જ કારણ જોઈએ છે. વળી તારું ભૂંડું ચાહનારા પણ કાંઈ થોડા નથી ! આજ પળે તારા માટે ચાડી ચુગલી તો ચાલતી જ હશે. આ વેળાએ રાજાની પુનઃ તારા પર ઈતરાજી કરાવવા માટે - “મુરાદેવી મહોત્સવમાં નથી. તે એક ખૂણામાં બેસીને આ મંગલ સમયે અમંગલસૂચક રોદન કર્યા કરે છે.” એવી રીતે તેના કાનોમાં વિષ રેડીને તારા શિરે કાંઈક પણ સંકટનું વાદળ લાવવાનો તેમનો પ્રયત્ન ચાલતો જ હશે. માટે તું આમ ન કર. જે બનાવ બની ગયો, તેને માટે વૃથા શોક કરવાથી શો લાભ થવાનો છે? એથી લાભ કાંઈપણ ન થતાં વિરુદ્ધ પક્ષે વિનાકારણ તારી કાંઈક પણ ભયંકર હાનિ જ થવાની. સાંભળ–આમ ન કરતાં તું મારી સાથે ચાલ અને બીજી સર્વ સ્ત્રીઓ બેઠેલી છે ત્યાં જઈને બેસ. આવા શુભ સમયે માત્ર આપણે જ સર્વના આનંદમાં વિઘ્ન નાખીએ છીએ, એવો આરોપ વિના કારણ પોતાના શિરે શા માટે લઈ લેવો જોઈએ?”

પરંતુ વૃંદમાલાનું એ ભાષણ મુરાદેવીને બિલ્કુલ ગમ્યું નહિ. તે તો એથી વળી વિશેષ સંતાપ પામીને વૃંદમાલાને ઉદેશીને બોલી કે “તું આ શું કહે છે? મારા શિરે એવો તે હવે અશુભ પ્રસંગ શો આવવાનો છે? સર્વથી વધારે અશુભ પ્રસંગ મરણનો કહેવાય છે, તે પણ જો આવે તો તેની પણ મને જરાય ભીતિ નથી. મારી અપકીર્તિનો પ્રસંગ આવ્યો અને મારા પુત્રનો ઘાત થયો, ત્યારથી તે આજ સુધીમાં એવો એક પણ દિવસ ગયો નથી, કે તે પ્રસંગની સ્મૃતિ મને ન થઈ હોય અને મારું અંત:કરણ ચીરાઈ ગયું ન હોય ! અને હવે તેથી વિશેષ અશુભ પ્રસંગ તે શો આવવાનો હતો? જો મરણ આવે, તો પણ સારું કે આ ચિંતામાંથી મારી સદાને માટે મુક્તિ થઈ જાય. જીવતાં રહીને દુઃખ ભોગવવા કરતાં મરણનું એક વેળાનું દુ:ખ વધારે સારું. તેમને કહે કે, મારો વધ કરે અથવા તો મને શૂળીએ ચઢાવે - જા – રાજાને બીજા કોઈએ મારી આજની સ્થિતિના સમાચાર ન આપ્યા હોય, તો તું આપી આવ. જા – મને એથી કાંઈપણ માઠું લાગનાર નથી. હું તો મરણને બોલાવતી જ બેઠી છું, પણ તે પીટ્યું આવતું જ નથી. મારાથી બ્‍હીને તે તો દૂર દૂર જ ન્હાસતું ફરે છે.”