પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

વ્યૂહની રચના કેવી રીતે કરવી, તે જાણી શકાશે. માટે હવે રહસ્યો કઢાવવાનો જે આરંભ કરવાનો છે, તેનું બુદ્ધભિક્ષુકથી જ મંગળાચરણ કરીએ તો શું ખોટું છે? પોતાના ધર્મનો પ્રસાર રાજકુળમાં પણ થાય એવી ભાવના તો એ બુદ્ધભિક્ષુના મનમાં પણ હશે જ. એથી રાજકુળમાં એકંદર શા શા વ્યવહારો ચાલે છે, એનું કાંઈક પણ જ્ઞાન એણે મેળવેલું હોવું જ જોઇએ. એ સર્વ કારણોને લીધે હાલમાં ચાર દિવસ–નહિ, મારી પ્રતિજ્ઞા પ્રમાણે નંદવંશને જડમૂળથી ઉચ્છેદ કરીને મારા પ્રિય શિષ્યને મગધદેશના સિંહાસનપર બેસાડવાનું કાર્ય સિદ્ધ ન થાય,- ત્યાં સુધી આ કર્મકાંડને હવે હું બંધ રાખીશ, ક્ષાત્ર ધર્મ – મેં આજ સુધીમાં જો કે એ ધર્મને યોગ્ય કોઈ પણ કૃત્ય કરેલું નથી - પરંતુ તે શિષ્ટ કૃત્યો શિષ્યના હસ્તે કરાવવાનાં છે-માટે તે ક્ષત્રિય ધર્મનું મારે આચરણ કરવું જોઇએ. અર્થાત્ એ કાર્યની સફળતા થાય, ત્યાં સુધી બ્રાહ્મણ ધર્મને થોડોક સંકુચિત કરી નાંખવો જોઇએ. આ બૌદ્ધધર્મનો ભિક્ષુ છે, માટે એની સાથે બોલાય નહિ અને એની સાથે વ્યવહાર રખાય નહિ, એ નિયમોનું અવલંબન મારાથી કેમ કરી શકાય? ચાલ ત્યારે હમણાં તો બુદ્ધભિક્ષુ પાસે જઈને વાતચિત કરતો બેસું. વખતે એમાંથી પણ કાંઈ સાર નીકળે, અને તે ઉપયોગી થઈ પડે - ઈશ્વરની ગતિ કોઈ જાણી શકતું નથી.” એવો નિશ્ચય કરીને ચાણક્ય બુદ્ધભિક્ષુના વિહારમાં આવી પહોંચ્યો અને બુદ્ધભિક્ષુએ આદર સત્કાર આપ્યા પછી બેસીને તેણે રાજસભા અને અમાત્યગણ વિશેની માહિતી મેળવવાના હેતુથી બે ચાર પ્રશ્ન કર્યા. એથી ભિક્ષુને એવો નિશ્ચય થયો કે, “આ બ્રાહ્મણ કેવળ રાજસભામાં પોતાનો પ્રવેશ કેવી રીતે થાય અને પોતાની સંભાવના કયા માર્ગે થઈ શકે, એવા હેતુથી જ આવા પ્રશ્નને પૂછે છે.” એવી ધારણાથી તે દૃષ્ટિએ તેણે પણ સર્વ માહિતી કહી સંભળાવી અને એવી સૂચના આપી કે, “રાજસભાના કેટલાક અમાત્યો પર જેમનું સારું વજન પડે છે, એવા કેટલાક ધનાઢ્ય શેઠો ગુપ્ત રીતે મારા શિષ્યો થએલા છે, તેમની પાસે તારી વાત કાઢીને હું તારો રાજસભામાં પ્રવેશ કરાવી આપીશ.” પોતાનો સત્ય હેતુ કોઈના જાણવામાં ન આવે, એવી ચાણક્યની ઇચ્છા હોવાથી તેણે પણ “આ૫ જો એટલો શ્રમ લેશો, તો મારું કાર્ય થઈ જશે.” એવા શબ્દો ઉચ્ચાર્યા. અને રાત્રે પોતાના સ્થાને જવા માટે ઊઠવાની તે તૈયારી કરતો હતો, એટલે વળી પણ બુદ્ધભિક્ષુએ કહ્યું કે, “કેમ વહેલો વહેલો ઊઠે છે શા માટે? બેસ, મને હવે કાંઈ કામ નથી. પોતાની પણ કાંઈક વધારે માહિતી હોય, તો મને સંભળાવ.” તેના એ આગ્રહથી ચાણક્ય પાછો ત્યાં બેઠો. ભિક્ષુક તેને કાંઈક પૂછવાના વિચારમાં હતો, એટલામાં