પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
બુદ્ધભિક્ષુ.

એક સ્ત્રી બુદ્ધભિક્ષુ પાસે આવી અને મહા ભક્તિથી નમસ્કાર કરીને કહેવા લાગી કે, “ભગવાન વસુભૂતિ ! તમને એક વિનતિ કરવાને હું આવેલી છું - આપને પૂછીને એક ભેદનો મારે ખુલાસો કરવાનો છે. મારા મનમાં ઘણી જ ચિન્તા થઈ પડી છે. એક પખવાડિયા સુધી તો એ ભેદને ગમે તેમ કરીને મેં મારા મનમાં છૂપાવી રાખ્યો; પરંતુ આજ એવી ઇચ્છા થઈ આવી કે, આપને એ સર્વ વાત કહી સંભળાવવી અને આ૫નો એ વિશે શો અભિપ્રાય છે, તે જાણવો.”

“વત્સે વૃન્દમાલે ! તું આવી શુષ્ક કેમ બની ગઈ છે? તારા હૃદયમાં કોઈ ભયંકર ચિંતા જાગેલી હોય એમ જણાય છે, નહિ વારુ ? મુરાદેવી તો શરીરે સ્વસ્થ છે ને ?” બુદ્ધભિક્ષુએ તેને આશ્વાસન આપીને કુશળ સમાચાર પૂછ્યા.

મુરાદેવીનું નામ સાંભળતાં જ વૃન્દમાલા એકદમ કહેવા લાગી કે, “ભગવાન ! મુરાદેવી શરીરે તો સર્વથા સ્વસ્થ છે, પરંતુ તેનું અંત:કરણ આજકાલ બહુ જ અસ્વસ્થ થએલું છે. કુમાર સુમાલ્યનો યૌવરાજ્યાભિષેક થયો, તે દિવસથી મુરાદેવીની ચિત્તવૃત્તિ પોતાના સ્થાનેથી ખસીને દૂર થઈ ગએલી છે.”

વૃન્દમાલા આવી અને “એક ભેદનો મારે ખુલાસો કરવાનો છે,” એમ તેણે કહ્યું, ત્યારથી જ ચાણક્યે ત્યાંથી ઊઠી જવાનો વિચાર કર્યો હતો; પરંતુ મુરાદેવીનું નામ સાંભળતાં જ, “કાંઈ પણ રાજવંશની વાત નીકળવાની છે.” એવી ધારણાથી તે પાછો ત્યાં જ થોભી ગયો અને “કુમાર સુમાલ્યનો યૌવરાજ્યાભિષેક થયો, તે દિવસથી મુરાદેવીની ચિત્તવૃત્તિ પોતાના સ્થાનેથી ખસીને દૂર થઈ ગએલી છે,” એ વાક્યને સાંભળીને તો તેણે ત્યાં જ બેસીને તે શો વૃત્તાંત કહે છે, તે સાંભળવાનો નિશ્ચય જ કર્યો. વૃન્દમાલા હવે વસુભૂતિને શું કહે છે અને વસુભૂતિ વૃન્દમાલાને શું કહે છે, તે સાંભળવાને તેનાં કર્ણો ઉત્સુક થઈ રહ્યાં. ચાણક્ય મહા ચાણક્ય હતો, એમ કહીશું તો એ કહેવું કાંઈક વિલક્ષણ જ કહેવાશે; કારણ કે, એનો અર્થ ચાણક્ય ચાણક્ય હતો એટલો જ થાય છે - અર્થાત્ ચાણકય એ શબ્દ મહાધૂર્ત અને ચતુર બ્રાહ્મણના નામનું અપભ્રષ્ટ રૂપ ધારીને જ આપણી ગુજરાતી ભાષામાં આવલો છે. માટે ચાણક્યને બીજી તે શી ઉપમા આપી શકાય ? વૃન્દમાલા તે મુરાદેવીની દાસી હોવી જોઈએ અને કુમાર સુમાલ્યનો યૌવરાજ્યાભિષેક થવાથી મુરાદેવીને મત્સરપિશાચે પછાડેલી હોવી જોઈએ, એવો ચાણક્યને સ્પષ્ટ ભાસ થયો. “જો મારી કલ્પના સત્ય હોય, તો તો જાણે આપણને આ એક ઘણી જ હિતકારક માહિતી મળી કહેવાય અને એનો