પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

સારી રીતે ઉપયોગ કરવાથી રાજકુળમાં ભેદ પાડવા માટેનું એ એક ઉત્તમ સાધન થઈ પડશે.” એવી તેની ધારણા થઈ એથી જો ચાણક્યને ત્યાંથી ખસવાની ઇચ્છા ન થઈ હોય, તો તે સ્વાભાવિક છે.

વસુભૂતિ વૃન્દમાલાને કહેવા લાગ્યો, “વૃન્દમાલે ! તું આ શું બોલે છે? તું પોતે ક્યાં છે અને શું બોલે છે, એનો વિચાર કર. વત્સે ! આવાં ગૃહનાં છિદ્રો ત્રીજાને કાને પડવાં ન જોઈએ અને તેમાં પણ તારા જેવી એક વિશ્વાસપાત્ર સેવિકાએ પોતાના મુખને બને તેટલું સંકુચિત જ રાખવું જોઈએ. જો મુરાદેવીનો પોતાનો પુત્ર આજે જીવતો હોત, અને બીજી સોક્યોએ એના શિરે ખોટા ખોટા આળ ચઢાવ્યા ન હોત, તો આજે તે પુત્રને જ યૌવરાજ્ય મળ્યું હોત અને તેનો જ પટ્ટાભિષેક થયો હોત; એ ગત વાર્તાનું સ્મરણ થતાં દેવીના મનમાં અતિશય ખેદ અને ઉદ્વેગ થાય, એ સ્વાભાવિક છે. પરંતુ તારા જેવી દાસીએ એવી વાતોની હોહા કરવી ન જોઈએ, વિશ્વાસપાત્ર અનુચરોએ પોતાનાં નેત્ર, અને પોતાનાં કર્ણો જો ઉઘાડાં રાખ્યાં, તો મુખને તો તેમણે બંધ જ કરવાં; કદાચિત્ મુખને ઉઘાડવાની જરૂર જ દેખાય, તો તે પોતાના સ્વામિ સમક્ષ ઉઘાડવું અને તેને જે કાંઈ પણ કહેવાનું હોય તે કહી દેવું. બીજા કોઈ પાસે તેનો સ્ફોટ કરવો નહિ.”

વસુભૂતિ એ પ્રમાણે બેાલતો હતો, તે વૃન્દમાલા શાંતિથી સાંભળતી હતી; પરંતુ તે બુદ્ધભિક્ષુના બોલવાની સંપૂર્ણતા થતાં જ તે બોલી કે, “ભગવન્, આપનો ઉપદેશ મેં સાંભળ્યો અને તેને હું હાથ જોડીને શિરપર ધારણ કરું છું. હમણાં જ આપ સમક્ષ મેં જે વાતનો ઉચ્ચાર કર્યો, તે વાત મેં અત્યાર સૂધીમાં કોઈને પણ કહી નથી. પરંતુ આજે મારાથી રહી ન શકાયું. દેવીની જે હમણાં સ્થિતિ થએલી છે, તે જો થોડા દિવસ વધારે રહેશે, તો કોઈપણ પ્રકારનો રાજ્યમાં મહાપ્રલય થશે અથવા તો દેવીનો પોતાનો જ નાશ થશે, એવી મારી ધારણા થએલી છે. આપ મારા ગુરુ છો. આપે મને ભગવાન તથાગતનો ઉપદેશ આપેલો છે અને તે ઉ૫દેશમાં એમ દર્શાવેલું છે કે, જો કોઈને વિનાકારણ ઘાતપાત થતો હોય અને તેનું જો આપણાથી નિવારણ થઈ શકતું હોય, તો અવશ્ય નિવારણ કરવું. એથી જ આપની પાસે આપનો અભિપ્રાય જાણવાને આવી છું. મારી સ્વામિની જો આવી જ સ્થિતિમાં રહેશે, તો તેનો પોતાનો નાશ થશે અથવા તો બીજું કાંઈ પણ અનિષ્ટ થશે, એમ સ્પષ્ટ દેખાય છે; પરંતુ એનું નિવારણ કેમ કરવું, એ માટેની યુક્તિ મને સૂઝતી નથી. દેવીને