પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
બુદ્ધભિક્ષુ.

હાલમાં રાજકુળમાં થએલી છે, એટલું જ નહિ, પણ જે ગૃહકલહનો અગ્નિ પ્રજળવા માંડ્યો છે, તેમાં યથાસ્થિત ઘૃત હોમવાનું પણ હવે મારા હાથમાં છે,” ચાણક્યની એવી ભાવના થવા માંડી હતી, એટલે પછી બીજું શું જોઈએ? એક તો ચાણક્ય પ્રથમથી જ દીર્ધદર્શી અને સુક્ષ્મદર્શી હતો જ, અને વળી વસુભૂતિ ભિક્ષુકે કહેલી મુરાદેવીના પુત્રની કથા ચંદ્રગુપ્તની કથાથી એટલી બધી તો મળતી આવી, કે તેના આનંદનો પાર રહ્યો નહિ. છતાં પણ પોતાને અનુકૂલ થનારી સ્થિતિ એકાએક ખરી લાગતી નથી, એ નિયમને અનુસરીને તેના મનમાં શંકાનો ઉદ્દભવ થયો, “મારા સમજવામાં કાંઈ પણ ભૂલ થએલી હશે તો ? માટે સત્ય સ્થિતિ શી છે, એનો સંપૂર્ણ રીતે શોધ કરવા પછી જ અાનંદ કે વિષાદની ભાવના ધરવી જોઈએ. કોઈપણ કાર્યની સિદ્ધિ માટે પ્રથમ પૂરો નિશ્ચય થયા વિના તે સિદ્ધ જ થયું, એમ માનીને કરેલો આનંદ ઘણીક વેળા ખેદનું જ કારણ થઈ પડે છે,” એવો વિચાર કરીને ચાણક્યે વસુભૂતિને ઉદ્દેશીને કહ્યું કે:-

“ભિક્ષુવર્ય ! મને આ તમારી નગરીની કાંઈપણ માહિતી નથી. હું તો આટલા કાળ સૂધી હિમાલય પર્વતમાંની મરુદૂતી નદીને તીરે આવેલા મારા ચાણકય-આશ્રમમાં જ વસતો હતો, એટલે આવાં નગરોનું જ્ઞાન ક્યાંથી હોઈ શકે ? આ નગરી વિશાળ છે અને અહીંના રાજાની કીર્તિ દિગંતગામિની છે, માટે અહીં જો કોઈ સારો આશ્રય મળી જાય, તો સારું; એવા હેતુથી જ હું અહીં આવેલો છું. તેવામાં આ રાજકુળમાં સળગેલા કલહના અગ્નિની કથા સાંભળીને મારું મન નિરાશ થઈ ગયું છે. જયાં ગૃહકલહ ઉત્પન્ન થયો, ત્યાં લક્ષ્મીનો વાસ વધારે વાર રહેતો નથી. અસ્તુ. આપણે શું ? પણ ભગવાન વસુભૂતે ! મુરાદેવી કોણ છે ? અને તેના પુત્રનો ઘાત કોણે અને શામાટે કરાવ્યો? હું આ પ્રશ્નો કરું છું, એની ક્ષમા કરશો; પરંતુ મને જો એ સઘળી બીનાની જાણ થશે, તો હું એ કલહની શાંતિ માટે કાંઈ પણ અનુષ્ઠાન કરીશ.”

ચાણક્યનું એ ભાષણ સાંભળીને વસુભૂતિ હસ્યો અને કહેવા લાગ્યો, “બ્રહ્મદેવ ! હું તને શું કહી સંભળાવું ? તમો દૂરના લોકોને આ પાટલિપુત્રની કીર્તિ જેટલી ઉજ્જવળ દેખાય છે તેટલી તે ઉજ્જવળ નથી. રાજા ધનાનન્દ અત્યંત અવિચારી અને બીજાની મતિથી જ ચાલનારો છે. એની સભામાં મંત્રીઓ તો અનેક છે, પરંતુ દૈવની ગતિ કાંઈક એવી વિલક્ષણ છે કે, તે મંત્રીઓમાંના જેટલા મૂર્ખ અને સ્વાર્થસાધુ અધિકારી જનો છે, તેમની જ બુદ્ધિથી ધનાનન્દનો, સઘળો વ્યવહાર ચાલે છે.