પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના

પ્રસ્તુત ઐતિહાસિક નવલકથા ઘણાંક વર્ષ પૂર્વે મરાઠી ભાષાના સુપ્રસિદ્ધ નવલકથાકાર રા. રા. હરિ નારાયણ આપટેએ મરાઠી ભાષામાં લખી હતી. તેનું નામ 'ચન્દ્રગુપ્ત' રાખ્યું હતું. એ નવલકથાનો જ આ ગુર્જર અનુવાદ છે.

કેટલાંક પુરાણોમાં ચન્દ્રગુપ્ત અને તેના નન્દ નામથી ઓળખાતા પૂર્વજ રાજાઓના વંશનો અને તેમનાં નામોનો ઉલ્લેખ કરેલો છે. ચન્દ્રગુપ્ત, ગ્રીક સમ્રાટ એલેક્ઝાંડર્ ધિ ગ્રેટ્નો સમકાલીન હોવાથી કેટલાક ગ્રીક ગ્રંથકારોના લખેલા ગ્રંથોમાં પણ પાટલિપુત્ર, ચન્દ્રગુપ્ત અને તેના રાજ્ય આદિનું વર્ણન મળી આવે છે. ચન્દ્રગુપ્ત, બૌદ્ધધર્માભિમાની ચક્રવર્તી રાજા મહાન અશોક અથવા પ્રિયદર્શીનો પિતામહ થતો હતો, અને તેથી કેટલાક બૌદ્ધ ગ્રંથોમાં પણ એની કથાના પ્રસંગો આવેલા છે.

“મુદ્રારાક્ષસ” નામક સંસ્કૃત નાટકમાં ચાણક્ય અને ચન્દ્રગુપ્તનાં કારસ્થાનોનું જે વર્ણન કરવામાં આવ્યું છે, તે તો સર્વત્ર પ્રસિદ્ધ છે જ. એ સર્વ ગ્રંથોમાંથી મળ્યાં તેટલાં સાધનોને એકત્ર કરીને ઐતિહાસિક નવલકથાને અનુકૂલ થાય, તેટલી કલ્પનાના મિશ્રણથી આ નવલકથાની રચના કરવામાં આવી છે. એલેક્ઝાંડરે હિન્દુસ્તાન પર ચઢાઈ કરીને પોરસ-પર્વતેશ્વર-રાજાનો પરાભવ કર્યો અને પછીથી તેને પેાતાનો એક માંડલિક બનાવીને તેનું લઈ લીધેલું રાજ્ય પાછું આપી દીધું, આવો ઉલ્લેખ ઇતિહાસોમાં છે; પરન્તુ કોઈ સંસ્કૃત ગ્રંથમાં પોરસ-પર્વતેશ્વરને ઉલ્લેખ મળી શકતો નથી. “મુદ્રારાક્ષસ” નાટકમાં અને “મહાવંશ” નામક એક બૌદ્ધ ગ્રંથમાં જે પર્વતેશ્વર નામક રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પર્વતેશ્વર એ પોરસ જ હોવો જોઈએ, એવી પ્રસ્તુત કાદંબરીમાં કલ્પના કરીને પોરસનો પર્વતેશ્વરના નામથી જ પરિચય કરાવવામાં આવ્યો છે. આવી રીતે અનેક સાધનેનોનો આશ્રય લેવા છતાં પણ એ તો ખરુ જ છે કે, પ્રસ્તુત નવલકથાની રચનામાં અન્ય સર્વ સાધનો કરતાં “મુદ્રારાક્ષસ" નાટકપર અધિક આધાર રાખવામાં આવ્યો છે; કારણ કે, એ નાટકની યેાગ્યતા જ એવા પ્રકારની છે.

આ નવલકથા "મુદ્રારાક્ષસ” નાટકના આધારે લખાયેલી છે; પરંતુ એક નવલકથાને અનુકૂળ થઈ પડે તેવું તેના સ્વરૂપમાં સર્વત્ર પરિવર્તન કરવામાં આવ્યું છે અને તે કરવું જ જોઇએ.