પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

તેનો પુત્ર જીવતો છે, એ વિશે જોઈશે એવી ખાત્રી આપીશ; પરંતુ પ્રથમ તેનો અને મારો મેળાપ કેવી રીતે થાય? મેળાપ થવાનું પહેલું સાધન તો એ જ કે, વૃન્દમાલાનો વિશ્વાસ મેળવવો જોઈએ. વૃન્દમાલા વસુભૂતિ પાસે આવે છે તો ખરી, પરંતુ તેના દેખતાં આ વાત કાઢવી, એ યોગ્ય નથી. તેને એકાંતમાં જ મળીને મુરાદેવી સમક્ષ જવાનો પ્રયત્ન કરવો જોઈએ.” એવો નિશ્ચય મનમાં જ ચાણક્યે કર્યો, થોડીક વાર તે શાંત રહ્યો – પુનઃ વિચારોના પ્રવાહથી તેનું મન ચંચળ થવા લાગ્યું. “વસુભૂતિને મારાં આ કારસ્થાનોથી જ્ઞાત કરવો કે નહિ? એ ભિક્ષુને કાંઈ પણ ન જણાવતાં વૃન્દમાલાનું ચિત્ત મારા તરફ વાળીને જ આ કાર્ય સાધવું કે કેમ? પરંતુ વસુભૂતિને જણાવ્યા વિના મારા કાર્યની સિદ્ધિ અશક્ય અને સાથે અનિષ્ટ પણ છે. વસુભૂતિને જો મારા પક્ષમાં લાવી શકાય, તો તેથી મને ભવિષ્યમાં ઘણા જ લાભની આશા છે. કારણ કે, વસુભૂતિ સારા સારા શ્રીમાનોને ત્યાં આવે જાય છે અને તેના પોતાના કહેવા પ્રમાણે કેટલાક ધનાઢ્ય ગૃહસ્થો તેના શિષ્ય પણ છે. માટે પ્રારંભથી જ જો એને આ વિચાર જણાવી દીધો હોય, તો કદાચિત એ સહાયતા કરે પણ ખરો.” એવો વિચાર તેના મનમાં આવ્યો, પણ તે વધારે વાર ટકી શક્યો નહિ. પાછી તેને એવી શંકા થવા લાગી કે, “હું આ પાટલિપુત્રમાં સર્વથા એક નવો આવેલો મનુષ્ય છું - મને આવ્યાને હજી પૂરા આઠ પ્રહર પણ થયા નથી, એટલામાં જો આવાં કારસ્થાનોની વાત વસુભૂતિ પાસે કાઢીશ, તો વિના કારણ મારા વિશે તેના મનમાં ખેાટો જ વિચાર બંધાઈ જશે. એના કરતાં કોઈ પણ રીતે વૃન્દમાલાને જ હાથમાં લઈને અંત:પુરમાં પ્રવેશ કરવાના કાર્યનો આરંભ કરવો, એ જ વધારે ઉત્તમ છે. ત્યાર પછી કદાચિત્ એમ જણાશે કે, આ વાત વસુભૂતિના કાને ગયા વિના રહેવાની નથી જ, તો પછી યુક્તિથી તેને હું જ બધી વાત કહીશ અને તેની સહાયતા પણ માગીશ.” એવો ચાણક્યનો અંતનો દૃઢ નિશ્ચય થયો. વિચારમાંને વિચારમાં ઉષઃકાળ થઈ ગયો. સમસ્ત સૃષ્ટિના અને ખાસ કરીને પાટલિપુત્ર નગરીના નિવાસિજનોએ નિદ્રાનો ગમે તેટલો ઉપભેાગ લીધો હોય, પરંતુ આપણા એ ચાણક્ય ઋષિએ નિમિષ માત્ર પણ નિદ્રાનો આસ્વાદ લીધો નહોતો. ચિન્તાતુરને નિદ્રા ક્યાંથી આવી શકે?

ઉષ:કાલ થયો. પૂર્વ દિશાના આકાશ પ્રતિ તેણે દૃષ્ટિ કરી, એટલે તે દિશા તેને અરુણ તેજથી સર્વથા આરક્ત થએલી દેખાઈ. “આ આજના દિવસનો નહિ, કિન્તુ મારા કરવા ધારેલા મહત્ કાર્યનો જ આ ઉષ:કાલ છે.” એમ તેના મનને ભાસ્યું. અને “નિદ્ર! તું આજે જેવી રીતે ન આવી તેવી જ