પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
ચાણક્યનો વિચાર.

રીતે આ ધનાનન્દનો અને તેના આઠ પુત્રોનો નાશ થાય અને મારો ચંદ્રગુપ્ત આ પાટલિપુત્રના પવિત્ર સિંહાસને વિરાજમાન થાય, ત્યાં સુધી જો હવે પછી પણ નહિ આવે, તો ચાલી શકશે. તારી અગત્ય સુખના સમયમાં છે. કાર્ય કરવા સમયે તો તારી સંગતિ ન હોય, તે જ સારું” એવી રીતે પોતાના મન સાથે જ વિચાર કરીને તે પોતાનો પ્રાતર્વિધિ કરવાને ઊઠ્યો.

એ દિવસે નિત્યના નિયમ પ્રમાણે તેણે પોતાનાં બધાં કર્મો યોગ્ય રીતે કર્યો તો ખરાં, પરંતુ એક પણ કર્મમાં તેનું ચિત્ત હતું નહિ. તેનું ચિત્ત તો વૃન્દમાલા, મુરાદેવી અને ચંદ્રગુપ્તમાં જ લાગેલું હતું. વૃન્દમાલાને પોતાના પક્ષમાં કરી લઈને રાજાના અંત:પુરમાં પ્રવેશ કેવી રીતે કરવો, અને મુરાદેવીને મળીને તેનો અને ચંદ્રગુપ્તનો માતા પુત્રનો સંબંધ છે, એ વિશે તેના મનનો નિશ્ચય કેમ કરાવવો; એ વિચારમાં જ ચાણક્ય સર્વથા લીન બની ગયો હતો એમ કરતાં કરતાં મધ્યાહ્ન પછી તેનાં સર્વ પવિત્ર કર્મોનો અંત થયો અને તે ભોજનની તૈયારી કરવા લાગ્યો. આગલા દિવસ પ્રમાણે જ વસુભૂતિએ સર્વ સામગ્રી મોકલી આપી હતી. એ દિવસે પ્રથમ દિવસ પ્રમાણે બુદ્ધભિક્ષુની સામગ્રીનો ચાણક્યે અનાદર કર્યો ન હોતો. એ સમયે સેવા માટે સાથે કોઈ શિષ્યને ન લાવવાથી તેને પશ્ચાત્તાપ થવા માંડ્યો, પરંતુ તત્કાળ “ કાંઈ શાસ્ત્ર શીખવવાનો ડોળ કરીશું, તો જોઈએ તેટલા શિષ્ય આવીને ઊભા રહેશે.” એવો વિચાર આવવાથી તે શાંત થયો. તેણે પોતાના અન્નને પરિપક્વ કરવા માટે ચુલ્લિકા પૂજન કર્યું – અર્થાત રાંધવા માટે ચૂલો સળગાવ્યો. રસોઈ તૈયાર થતાં ભોજન કરી લઈને શીઘ્ર જ તેણે વસુભૂતિના વિહારની વાટ લીધી. વસુભૂતિ પોતાનાં ધર્મ કર્મોને આટોપીને કાંઈક પત્ર લેખનમાં ગુંથાયલો હતેા. ચાણક્ય આવીને તેની પાસે બેસી રહ્યો. વસુભૂતિએ પત્ર લખી લીધું અને પોતાના એક સિદ્ધાર્થક નામના શિષ્યને બોલાવ્યો. તે આવતાં “આ પત્ર ગુપ્ત રીતે જઈને વૃન્દમાલાને આપી આવ.” એવી તેને તેણે આજ્ઞા આપી.

એ જ ક્ષણે ચાણક્યના મનમાં એક કલ્પના આવી અને તેને તત્કાળ કાર્યના રૂપમાં લાવવાનો નિશ્ચય કરીને તેણે વસુભૂતિને સંબોધીને કહ્યું કે, “ભિક્ષુવર્ય ! હું આ નગરીમાં સર્વથા એક નવીન મનનુષ્ય છું અને અદ્યાપિ મેં આ નગરની શોભા જોએલી નથી. માટે જો આપની આજ્ઞા હોય, તો હું પણ આ સિદ્ધાર્થક સાથે જાઉં. માર્ગમાં જતાં જતાં સહજમાં જ મને નગરની શોભા જોવાનો પ્રસંગ મળશે ને તેથી ઘડીભર આનંદ થશે.”