પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
ચાણક્યનો વિચાર.

જલમંદિર પાસે આવી પહોંચ્યા - એના વર્ણનમાં ધનાનન્દ રાજાનું નામ આવ્યું અને રાજાનું નામ આવતાં જ સિદ્ધાર્થકે ધનાનન્દની નિન્દાને આરંભ કર્યો. તેણે કહ્યું કે, “આ ભૂમિતલમાં ધનાનન્દ જેવો અન્યાયી રાજા બીજો એક પણ હશે કે નહિ, એની શંકા છે. વળી એના જેવો કુચ્છંદી અને દુરાગ્રહી પણ બીજો કોઈ થવાનો નથી. સત્યશીલતાનું તો એને જ્ઞાન જ નથી. મારો કાંઈ પણ અપરાધ ન છતાં દુષ્ટ બુદ્ધિથી એણે મને રાજદંડ કરાવ્યો. આ પાટલિપુત્રમાં આ૫ એક પણ મનુષ્યના મુખથી એની પ્રશંસા સાંભળશો નહિ, એટલો બધો એ દુષ્ટ રાજા છે.” એવી જાતના પ્રલાપો તેના મુખમાંથી નીકળતા હતા. એ સાંભળીને પ્રથમ તો ચાણક્યને કાંઈક આશ્ચર્ય થયું; પરંતુ સિદ્ધાર્થકને રાજદંડ થએલો હોવાથી જ તે રાજાની નિન્દા કરે છે, એમ જણાતાં જ તેના આશ્ચર્યનો અસ્ત થઈ ગયો. પરંતુ તેને પૂછીને તેની હકીકત શી છે અને કારાગૃહમાં તેણે કેટલા દિવસ કાઢ્યા હતા, એ સઘળું જાણી લેવાનો ચાણક્યના મનમાં વિચાર આવ્યો, અને તે પ્રમાણે તેણે સિદ્ધાર્થકને પ્રશ્નો કરવાનો આરંભ પણ કર્યો.

સિદ્ધાર્થકે તેને પોતાનો આદિથી અંતપર્યન્તનો વૃત્તાંત કહી સંભળાવ્યો. અર્થાત્ “મારો કોઈપણ પ્રકારનો અપરાધ ન છતાં રાજાએ મને દંડ દીધો.” એમ જ તે છેવટ સુધી કહેતો રહ્યો અને ધનાનન્દને જેમ ફાવે તેમ ગાળો ભાંડતો ગયો. એટલે ચાણક્ય હસતો હસતો તેને કહેવા લાગ્યો કે, “સિદ્ધાર્થક ! રાજા માટે તારા હૃદયમાં ઘણો જ રોષ હોય, એમ દેખાય છે. મને લાગે છે કે, રાજાના નાશનો કોઈ પણ પ્રસંગ તારા હાથમાં આવે, તો તો તું જરા પણ વિચાર કર્યા વિના તેનો નાશ કરી નાખે, નહિ વારુ?

“હા-હા-એક પળનો પણ વિલંબ કર્યા વિના તેનો નાશ કરી નાખું. એવો પ્રસંગ આવે અને તેનો હું લાભ લીધા વિના જવા દઉં, એમ બને જ નહિ, ધનાનન્દ કેવો મૂર્ખ, કેવો દુષ્ટ અને કેવો અંધ છે, એની તમારા હૃદયમાં કલ્પના પણ થવી અશક્ય છે. પરંતુ અમાત્ય રાક્ષસ જ્યાં સુધી રાજયનો કાર્યભાર ચલાવે છે, ત્યાં સુધી કોઈથી રાજાનું કિંચિન્માત્ર પણ અનિષ્ટ કરી શકાય તેમ નથી. વૃન્દમાલા એક સમયે મને કહેતી હતી કે, મુરાદેવી જેવી સાધ્વી અને સદ્‌ગુણશાલિની સ્ત્રી બીજી કોઈ મળવાની નથી, પરંતુ રાજાએ તેના વિશે વ્યર્થ કુતર્ક કરીને અને બીજી રાણીઓએ મત્સરથી તેમાં બતાવેલા દોષોને સત્ય માનીને તેનો ત્યાગ કર્યો, એટલું જ નહિ પણ તેના પુત્રનો વધ કરાવ્યો ! એ દુષ્ટતા અને અંધતા નહિ તો બીજું શું ? હાલમાં રાજાના બીજા પુત્ર સુમાલ્યને