પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
ચાણક્યનો વિચાર.

એટલે જો તારા માથે જ કાંઈ અડચણ આવી પડી, તો હું તારા ઉપયોગનો થઈ પડીશ. હું અહીં એકલો જ ગાંડા પેઠે બેસી રહીને શું કરવાનો હતો ?”

ચાણક્યનું એ ભાષણ સાંભળીને સિદ્ધાર્થક થોડીક વાર તો ચુપ જ થઈ ગયો. ચાણક્યને તે ના પાડી શક્યો નહિ. એવી સ્થિતિમાં તેણે ચાણક્યને એટલું જ કહ્યું કે, “જો તમે આવતા હો, તો ભલે આવો; પરંતુ અમારે જ જ્યાં ખુલ્લી રીતે પ્રવેશ થઈ નથી શકતો, ત્યાં તમારો પ્રવેશ થાય, એ અશક્ય જણાય છે. એટલું જ, તમને બેસવાનું કહ્યું, તેનું કારણ હતું, બીજું નહિ.”

“શું ! મારા જેવા એક બ્રાહ્મણનો ત્યાં પ્રવેશ નહિ થઈ શકે ? વાહ ! રાજવ્યવસ્થા તો ઘણી જ ઉત્તમ ત્યારે ! ત્યારે તો હું તારી સાથે આવવાનો જ. ભૂલથી જો કોઈ બ્રાહ્મણ આવી ચડે, તો રાજા તેને કેવો અને શો દંડ આપે છે, એ મારે જોવાનું છે. વૃન્દમાલા મને સારી રીતે ઓળખે છે. હું તારી સાથે હોઈશ, એથી તેને જરા રતિ પણ ખરાબ લાગવાનું નથી. એ માટે તો તારા પર ક્રોધ કરવાની નથી.” ચાણક્યે પોતાનાં વાક્યોમાં દૃઢ રહીને ગંભીરતાથી કહ્યું.

એ ઉત્તરથી સિદ્ધાર્થક હવે સર્વથા નિરુપાય થયો અને “જ્યારે તમારી એવી જ ઇચ્છા છે, તો ભલે ચાલો.” એમ કહીને તે આગળ ચાલવા લાગ્યો. ચાણક્ય પણ તેની સાથે જ ચાલતો હતો. એ બંને રાજમહાલયના પાછળના ભાગમાં આવેલા અંતઃપુરના દ્વાર પાસે આવી પહોંચ્યા. કોઈ પણ પુરુષને અંત:પુરમાં જવાની છૂટ હોતી નથી, એ તો ખુલ્લું જ છે; પરંતુ દ્વારપાલનાં અને અંતઃપુરમાંનાં દાસ દાસી જનોના પરિચયના મનુષ્યોને અંત:પુરના બહારના ભાગમાં આવેલા ઉપવનમાં આવવાની પરવાનગી હતી. એ ઉપવનની સીમાનું ઉલ્લંધન કરીને આગળ વધવા માટે વિશેષ આજ્ઞાની આવશ્યકતા હતી, જે વેળાએ સિદ્ધાર્થક અહીં આવ્યો, તે વેળા, વૃન્દમાલા અને તેના મેલાપની હતી, અને તેથી જ તે એ વેળાએ ત્યાં આવ્યો હતો. ચાણક્ય અને સિદ્ધાર્થક એક નિયત સ્થાને ઊભા રહ્યા, એટલામાં વૃન્દમાલા પણ ત્યાં આવી પહોંચી. સિદ્ધાર્થકે ગુરુજીએ આપેલું પત્ર તેના હાથમાં મૂક્યું. વૃન્દમાલા ચાણક્યને ઉદ્દેશીને બોલી, “ગુરુજીના ઉપદેશામૃતનું પાન કરીને તેમની સેવાના વ્રતને તમે પણ સ્વીકાર કરવાના હો, એમ લાગે છે, ઠીક થયું. મારા મનમાં તેમની સેવા માટે જેટલી ઇચ્છા થાય છે, તેટલી સેવા મારાથી કરી નથી શકાતી; એથી મને ઘણું જ માઠું લાગે છે. પરંતુ દિવસે દિવસે તેમના શિષ્યોની સંખ્યામાં વધારે થતો