પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

બની શકે તેટલી સારી તપાસ રાખજે. જો એમાં તને કાંઈ પણ વધારે ઓછું જણાય, તો તેની મને ઝટ ખબર આપજે. હવે વધારે જે કાંઈ પણ કહેવા કરવાનું હશે, તે રુબરુમાં કહીશ. વાંચી લીધા પછી આ પત્રને બાળી નાંખજે – એને સંભાળી રાખીશ નહિ. ભગવાન બુદ્ધનો વિજય થાઓ ! અને તારું કલ્યાણ થાઓ. ભગવાન બુદ્ધ જ પ્રસ્તુત પ્રસંગે આપણને સુખદાયક માર્ગ દેખાડશે. ઇતિ શુભમ.”

એ પત્ર વાંચતાં જ વૃન્દમાલાનું મન કાંઈક શાંત થયું. વસુભૂતિમાં તેની ઘણી જ શ્રદ્ધા હોવાથી તેને એમ જ ભાસ્યું કે, “મારા ગુરુજીએ એ કાર્ય પોતાને શિરે લીધેલું છે, તો હવે એમાં કાંઈ પણ વિઘ્ન આવી શકે તેમ નથી. એ સર્વ કાર્ય યોગ્ય રીતે કરશે જ.” એવી ભાવના કરીને પુન: તે જ રાત્રે ભિક્ષુ વસુભૂતિના દર્શન માટે જવાનો તેણે નિશ્ચય કર્યો, અને તે પ્રમાણે યોગ્ય વેળાએ અંત:પુરમાંથી તે બહાર નીકળી.

અહીં સિદ્ધાર્થક અને ચાણકય વૃન્દમાલાને બુદ્ધભિક્ષુનું પત્ર આપીને પાછા ફર્યો, તે નગરની શોભાને જોતા જોતા ધીમે ધીમે પોતાનો માર્ગ કાપતા જતા હતા. માર્ગમાં ચાલતાં ચાલતાં ચાણક્ય બે કાર્યો કરતો જતો હતો. એક તો, સિદ્ધાર્થકને નાના પ્રકારના પ્રશ્નો પૂછીને તેના મુખેથી નગરની અને રાજકુળની અંતર્બાહ્ય સ્થિતિનું જ્ઞાન મેળવતો હતો; અને વૃન્દમાલાને મળીને તેને પોતાના પક્ષની કરી લેવા માટે શા શા ઉપાયો યોજવા જોઈએ, એનો વિચાર પણ તેના મસ્તકમાં ચાલુ જ હતો. “આજે વસુભૂતિએ વૃન્દમાલાને જે પત્ર પાઠવ્યું હતું, તેમાં બહુધા તેને બોલાવેલી જ હોવી જોઈએ, અને ગઈ કાલે રાત્રે વૃન્દમાલાએ જે વૃત્તાંત કહી સંભળાવ્યો હતો, તે વિષે ભિક્ષુએ કાંઈ પણ વિચાર કર્યો હશે અને તેના સંબંધમાં જ અત્યારે વાતચિત કરવાની હશે,” એવું ચાણક્યે અનુમાન કર્યું. અને એ અનુમાનથી “વૃન્દમાલા અને વસુભૂતિ મધ્યે થનારા પરસ્પર ભાષણનું મારે શ્રવણ કરવું જ જોઈએ. એથી મારા ભાવી કાર્યમાં ઘણા જ લાભનો સંભવ છે. કાલની રાત પ્રમાણે આજે રાત્રે પણ મારે જઈને વસુભૂતિ પાસે બેસવું જોઈએ.” એ પ્રમાણે તેણે નિશ્ચય કર્યો. બીજી જ પળે તેના મનમાં એક બીજો વિચાર આવ્યો. “પરંતુ આજે પણ કાલ પ્રમાણે કરવાથી કદાચિત વસુભૂતિને સારું નહિ લાગે. માટે આજે હવે બીજી જ કોઈ યુક્તિ શોધી કાઢવી જોઈએ,” એવો નિર્ધાર કરીને સિદ્ધાર્થક સાથે વાતો કરતો કરતો એક મંદિર સમક્ષ અચાનક તે ઊભો રહી ગયો. એ મંદિર કયા દેવનું હતું, એ તો તે જાણી ગયો હતો, છતાં પણ માર્ગમાં થોભવાના હેતુથી તેણે સિદ્ધાર્થકને ખાસ સવાલ કર્યો કે, “આ