લખાણ પર જાઓ

પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના


“મુદ્રારાક્ષસ" જેવું રાજનૈતિક અને રાજપ્રપંચપ્રદર્શક ૫રમોત્તમ નાટક અદ્યાપિ કોઈ પાશ્ચાત્ય ભાષામાં પણ ભાગ્યે જ લખાયું હશે- નથી જ લખાયું એમ કહેવામાં પણ કશોય પ્રત્યવાય નથી; અને તેથી જ સ્વર્ગીય પ્રોફેસર વિલ્સન, પ્રોફેસર મેક્સમૂલર અને વિ. પ્રોફેસર એ. એ. મેક્ડોનલ્ડ આદિ પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ એ નાટકની ઉત્કૃષ્ટતા વિશે અનેક સ્થળે પ્રશંસાપ્રદર્શક ઉદ્ગારો કાઢેલા છે. એવા એક ઉત્કૃષ્ટ નાટકના આધારે રચાયેલી નવલકથા પણ રા. રા. હરિ નારાયણ આપ્ટે જેવા યોગ્ય અને અનુભવી લેખકની લેખિનીથી લખાયલી હોવાથી ઉત્તમ થઈ હોય, તો તેમાં વિશેષ આશ્ચર્ય પામવા જેવું કાંઈ પણ નથી.

એલેક્ઝાંડરની હિન્દુસ્તાન પરની ચઢાઈ પછી ચન્દ્રગુપ્તે મગધ દેશના નન્દવંશનો નાશ કરીને ઇતિહાસપ્રસિદ્ધ રાજનીતિજ્ઞ ચાણક્ય નામક બ્રાહ્મણના સાહાય્યથી પાતલિપુત્રમાં આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે જે નવીન મૌર્ય નામક રાજવંશની સ્થાપના કરી હતી, તે ઐતિહાસિક કાળ પ્રસ્તુત નવલકથામાં લેવામાં આવ્યો છે; અને તદનુસાર ભારત વર્ષની તે સમયની ધાર્મિક, સામાજિક તથા રાજકીય પરિસ્થિતિનું એમાં યથાર્થ શાબ્દિક ચિત્ર આલેખવાનો પ્રયત્ન કરાયલો છે. સર્વનો આશ્ચર્ય અને દિઙ્‌મૂઢતામાં તલ્લીન કરી નાંખનાર સર્વથી વિશેષ અદૂભુત પાત્ર આર્ય ચાણક્ય છે. એક સાધારણ સ્થિતિનો અને દરિદ્રી બ્રાહ્મણ ચાણક્ય, નન્દરાજાને, તેણે પોતાના કરેલા અપમાનનું ફળ ચખાડવાના મૂળ ઉદ્દેશથી પાટલિપુત્રમાં ગુપ્ત વેશે રહી અનેક પ્રકારના રાજપ્રપંચના જાળને વિસ્તારી યુદ્ધ અને રક્તપ્રવાહના પ્રસંગને ન આવવા દેતાં નન્દવંશનું નિકંદન કરી પોતાના શિષ્ય ચન્દ્રગુપ્તનો પાટલિપુત્રમાં કેવી દક્ષતાથી રાજ્યાભિષેક કરે છે; એટલું જ નહિ, પણ નન્દરાજાના અત્યંત સ્વામિનિષ્ઠ પ્રધાન રાક્ષશને, તે ચન્દ્રગુપ્તના નાશ માટે ઉદ્યુક્ત હોવા છતાં, કેવા પ્રપંચથી ચન્દ્રગુપનો પ્રધાન બનાવે છે, એ સર્વ વાંચીને આશ્ચર્યચકિત અને દિઙ્‌મૂઢ ન થઈ જાય એવો વાચક ભાગ્યે જ કોઇ મળી શકશે. અર્થાત્ જ્યારે આપણે ચાણક્યનાં સર્વ કાર્યોનું સંપૂર્ણ અવલોકન કરીએ છીએ, ત્યારે એમ જ આપણા જાણવામાં આવે છે કે, મગધમાં કિંવા આર્યાવર્ત્તમાં નન્દવંશનો નાશ કરીને મૌર્ય નામક નવીન રાજવંશની સ્થાપના કરનાર ખરી રીતે જોતાં ચન્દ્રગુપ્ત નહિ, પણ ચાણક્ય જ હતો.